અનંત રાઠોડ ~મારી જ ભીતરે

🥀 🥀

*ગુપ્ત છે*

મારી જ ભીતરે છતાં મારાથી ગુપ્ત છે
ચર્ચાય સઘળું મધ્યમાં કાંઠાથી ગુપ્ત છે

છે ટેરવાં અજાણ અને સોય પણ બધિર
સંધાઈ જે ગયું છે એ ટાંકાથી ગુપ્ત છે

થડની અબોલ ચીસ કુહાડીએ સાંભળી
પણ ધાર જાણતી બધું હાથાથી ગુપ્ત છે

ઉંબર, દીવાલ, દ્વાર બધાં મૌન થઇ ગયાં
ખાલીપણું મકાનનું વાડાથી ગુપ્ત છે

ગૂંજ્યા કરે મહેલમાં પગરવ હજુ પ્રણય
અંદર પ્રવેશ્યું કોણ, એ ઝાંપાથી ગુપ્ત છે

~ અનંત રાઠોડ ‘અનંત’

બધું જ જાણવાનો દાવો કોઈ ન કરી શકે તેમ છતાંય ‘પોતાના વિશે તો જાણકાર છે’ એવું કોઈ કહી શકે. અલબત્ત સમજુ માણસ આવું વિધાન ન કરે. રોટલી સૌ ખાય છે પણ એનું લોહી કેવી રીતે બની જાય છે, એ કોણ કહી શકે ? ડોક્ટર પણ નહીં. માનવ શરીરના કેટલાંય પાસાં તબીબી વિજ્ઞાન માટે હજુ અજાણ છે અને રહેવાના ત્યારે પ્રકૃતિની લીલા સામે નતમસ્તક જ થવું પડે. કુદરતની લીલા અકળ છે. અનેક રહસ્યો એની અંદર છુપાયેલા છે અને રહેવાના. એનો તાગ પામવો શક્ય નથી.

અહીં મકાનનું ખાલીપણુંકે કુહાડીની ધારજેવા પ્રતીક આ પ્રકારની રહસ્યમયતાને સાંકળતા નથી. એ કવિતાની લીલા છે. પરંતુ શરૂઆતથી અંત સુધીના શેર મનમાં એક અકળ રહસ્યને વહેતું કરે છે એ પણ કવિતાની લીલા અને કવિનું સામર્થ્ય ગણાય.

2 thoughts on “અનંત રાઠોડ ~મારી જ ભીતરે”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *