*એક પછી એક*
એક પછી એક પછી એક પછી એક
કાપ્યા કરી, ખાધા કરી બર્થડેની કેક
એક પછી એક.
મીણમાંથી બત્તી બની, ફીણમાંથી શ્વાસ,
ઊંડા ઊંડા શ્વાસ ભરી ફૂંક મારી ખાસ;
તાળીઓના ગડગડાટ વગાડતું ડેક
એક પછી એક.
શેમ્પેઈનનો કોર્ક ખૂલ્યો ચારેબાજુ ફીણ,
અંધકારે ઓગળતું માણસ નામે મીણ;
પળનું આ તુચ્છ પ્યાદું, આપે મને ચેક
એક પછી એક.
મ્હોરાંઓની ચાલ ગઈ, રહી ગયાં ખાનાં
અમળાઈ – ચિમળાઈ ફૂલ રડે છાનાં;
‘હવે ફરી નહી રમું’, એવી લેતાં ટેક
કાપ્યાં કરું
ખાધાં કરું
બર્થડેની કેક
એક પછી એક.
~ ચિનુ મોદી (30.9.1939 – 19.3.2017)
આ પણ જુઓ

ખૂબ જ સરસ ગઝલોનું ચયન. કવિ શ્રી ને સ્મૃતિ વંદન.