રમેશ પારેખ ~ બે અછાંદસ * Ramesh Parekh

🥀🥀

ગધેડીના
અભણ અમરેલવીએ કહ્યું

યુધ્ધો, યાતનાશિબિરો, હોનારતો
હાહાકારો
હોસ્પિટલના દોઝખમાં ઓગળતાં મનુષ્યો
ભૂખમરો
મોત……..
આ બધું ગધેડીના ઈશ્વરનું સર્જન છે?
હશે.
આ પ્રશ્નનો જવાબ મને આવડતો નથી.
કેમકે આ તો

અભ્યાસક્ર્મની બહારનો સવાલ છે!
શ્રીમદ ભાગવત

આખેઆખું ચાવી જનાર ભૂખી ગાય
બીજે દિવસે કતલખાને હડસેલાય
એ ગાય,

જેણે ગોકુળ, મથુરા, વૃન્દાવન અને
શ્રીકૃષ્ણ સહિતનું જ્ઞાન પચાવ્યું,
તેને દૂધ નહીં આપવાના ગુના સબબ
કતલખાનાને દરવાજે

કેમ ઊભા રહેવું પડે છે?
-આ પ્રશ્નનો જવાબ પણ

મને નથી આવડતો.
હું અભણ છું
મારા કપાળમાં અંધારુ લખનાર ઈશ્વરને
ગધેડીનો ના કહું તો શું કરું?
પરંતુ બાળક, ફૂલ, તુષાર,

સવાર, ગીત, પંખી
અને માતા
આટલી વસ્તુનો સર્જક ઈશ્વર છે
તેની મને ખબર છે…….
આ ખબરની સાક્ષીએ
હું શંકાનો લાભ આપીને
સર્જકને કહું છું ઈશ્વર.
હું ઈશ્વરને માફ નહિ કરું
પણ સર્જક્ને ઈશ્વર કહું છું
માટે ઈશ્વરને

તેના ગુનાઓની માફી આપું છું!

~ રમેશ પારેખ

🥀🥀

પાનખરે આ
પતંગિયું બેપગું….
વસંતો વેરે

અંધકારની
ત્રેવડ નહીં કે એ
દીવો બુઝાવે….
તડકો વંડી વહેરે છે ને

છાંયો પડખે ઊંઘે….
વિરહીશ્વાસો
મૂકે ત્યાં થઈ જાતો
વાયુ ભડથું !
ખિસકોલીના રુંવાં ઉપર રમે
સુંવાળો સૂર્ય….!
હું જ છબિમાં
હું જ છબિની બહાર
કયો હું સાચો ?
જીવતર છે બાક્સ ખોખું,

શ્વાસો દિવાસળીઓ
મનીઓર્ડર
લૈને વૃદ્ધાએ લીધાં
રોકડાં આંસુ….  

~ રમેશ પારેખ

@@@

4 Responses

  1. ઉમેશ જોષી says:

    વાહ સરસ બન્ને રચના.

    સાદર સ્મરણ વંદના.

  2. કવિ જ ઈશ્વર ને આ કહી શકે તેમનુ હ્રદય કોમળ હોય છે સરસ રચનાઓ ખુબ ગમી

  3. આવું તો ર.પા. જ લખી શકે, ઈશ્વરને કરેલું સંબોધન આંચકો આપે છે.

  4. સુરેશ ચંદ્ર રાવલ says:

    ર.પા ની કવિતા કંઈક જુદી જ અસર કરી જાય છે.. તળપદી અને ગામઠી ભાષામાં ગાળોનો ઉપયોગ પણ રમેશ પારેખ બખૂબી કરી જાય છે. ભગવાનને પણ ગાળ આપી શકે તે ર.પા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: