
🥀🥀
*વસવસો*
ઝાડથી કાગળ સુધીનો વસવસો,
બિંબથી દર્પણ સુધીનો વસવસો,
છળ હવે કોઠે પડે છે, જિંદગી!
અશ્રુથી અંજળ સુધીનો વસવસો.
વેદના ચાહો ગણીને પોતકી,
આંખથી વાદળ સુધીનો વસવસો.
ચાહવાના માપદંડો શોધજો,
સાથથી મૃગજળ સુધીનો વસવસો.
રંગ કેવા જો ઘણા બદલાય છે,
વાતથી વર્તન સુધીનો વસવસો.
કર પ્રતિષ્ઠા પ્રાણની અંતે હવે,
પર્વથી પથ્થર સુધીનો વસવસો.
વીલ કરતા વૃદ્ધની હાલત જુઓ,
ત્યારથી તર્પણ સુધીનો વસવસો.
પૂછશો ના બંધ એ બારી વિશે,
સાનથી સમજણ સુધીનો વસવસો.
બંધ મુઠ્ઠી ખોલવી પડશે હવે,
રાખથી અટકળ વિશેનો વસવસો.
~ હરીશ શાહ
વસવસા વિશેની આ ગઝલના દરેક શેરમાં બે છેડા વચ્ચે માણસની આખી જિંદગી સમાઈ જાય છે. કદાચ એક એક શ્વાસને ટકોરા મારતી આ ગઝલ જો વિચારવા ન પ્રેરે તો પોતાના વિશે વિચારવું ! તમે ‘આંખથી વાદળ’ જુઓ કે ‘સાનથી સમજણ’ વિશે વિચારો ! થોડા શબ્દોમાં કવિ કેટલું બધું કહી જાય છે ! અને અહીં ચરમ સીમા વર્તાય છે
‘વીલ કરતા વૃદ્ધની હાલત જુઓ, ત્યારથી તર્પણ સુધીનો વસવસો….’

વાંચીને બધો વસવસો દૂર થઈ જાય એવી સબળ રચનાઓ
ખૂબ ખૂબ આભાર
વસવસો ખૂબ સુંદર ગઝલ.મજા આવી.
ખૂબ ખૂબ આભાર
કવિ મિત્ર હરીશ શાહ બહુઆયામી સાહિત્યકાર છે. ખૂબ સરસ ગઝલ, સોનેટ.
જી સાહેબ ખૂબ ખૂબ આભાર સર
બંને રચનાઓ સરસ… વાહ
ખૂબ ખૂબ આભાર સરલાબેન