નરસિંહરાવ દિવેટિયા

🥀🥀

ગુજરાતી ભાષાના સાક્ષર અને કવિ. ‘જ્ઞાનબાલ’, ‘નરકેસરી’, ‘મુસાફર’, ‘પથિક’, ‘દૂરબીન’, ‘શંભુનાથ’, ‘વનવિહારી’ વગેરે ઉપનામોથી પણ લેખન કરેલું છે. મુખ્યત્વે કાવ્ય, વિવેચન, ભાષાશાસ્ત્ર અને નિબંધક્ષેત્રે અર્પણ. નોકરીને નિમિત્તે વિવિધ સ્થળે પરિભ્રમણ કરવાનું બનતાં ત્યાંના પ્રાકૃતિક સૌંદર્યથી તેમની સર્જકતાને બળ મળ્યું. ઉપરાંત હૈદરાબાદ વગેરે સ્થળોના વસવાટે તેઓ વિવિધ બોલીઓના સંપર્કમાં પણ આવ્યા. 1912માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. 1915માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રતિષ્ઠાભર્યા પ્રમુખસ્થાને રહ્યા. 1924માં રૉયલ એશિયાટિક સોસાયટી, મુંબઈ શાખાના ફેલો તરીકે ચૂંટાયા. મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિષય દાખલ થતાં 1921 થી 1935 સુધીનાં વર્ષોમાં તેમણે ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં ગુજરાતીના માનાર્હ પ્રાધ્યાપક તરીકે ખંતભરી સેવાઓ આપી.

અંગ્રેજી ઊર્મિકાવ્યના પ્રભાવને ઝીલીને નર્મદે આત્મલક્ષી કવિતાનો કરેલો પ્રારંભ, નરસિંહરાવની ‘કુસુમમાળા’(1887)માં પ્રથમ વાર તેના વધુ પક્વ રૂપે વિસ્તરતો જોવાય છે. નરસિંહરાવમાં પશ્ચિમી સાહિત્યની સાથે સાથે સંસ્કૃત સાહિત્યનો પણ પ્રભાવ રહ્યો છે. તેથી અભિવ્યક્તિની પ્રૌઢિ, તેમની રચનાઓને કલા રૂપે અવતારી રહે છે. સૂર્ય, ચંદ્ર, આકાશ કે કોયલ જેવાં પ્રકૃતિતત્વોની સાથે પ્રેમ, ભક્તિ વગેરે પણ અહીં કાવ્યનો વિષય બનીને ઊર્મિકાવ્ય રૂપે અવતર્યાં છે. ચિંતન-વિચાર, સફાઈદાર છંદો અને અભિવ્યક્તિની પક્વતા એ સર્વને લીધે ‘કુસુમમાળા’ અર્વાચીન કવિતાનું સીમાચિહન બની રહીને ઐતિહાસિક સ્થાન પ્રાપ્ત કરે છે.

હૃદયવીણા’ (1893), ‘નૂપુરઝંકાર’ (1914), ‘સ્મરણસંહિતા’ (1915), ‘બુદ્ધચરિત’ (1934) વગેરે તેમના બીજા જાણીતા કાવ્યસંગ્રહો છે. ‘હૃદયવીણા’માં ઊર્મિનું તત્વ કંઈક ઘટ્યું છે. તેમાં પ્રકૃતિના નિરામય રૂપને બદલે ચિંતન વધ્યું છે. ‘નૂપુરઝંકાર’માં કાન્તની રીતિએ લખાયેલાં પરલક્ષી ચિન્તનોર્મિકાવ્યો–ખંડકાવ્યો વિશેષ રૂપે ધ્યાન ખેંચી રહે છે. ‘સ્મરણસંહિતા’ કરુણપ્રશસ્તિમાં તેમની કવિતાનો નવો ઉન્મેષ જોવા મળે છે. ‘આ વાદ્યને કરુણગાન વિશેષ ભાવે’ કહેતા કવિની હૃદયસ્થ કરુણ લાગણીઓને અહીં ઉત્તમ અભિવ્યક્તિ મળી છે. પુત્રના અવસાનનું પિતાના હૃદયમાં કેવું ઘેરું દર્દ હતું, તે અહીં પમાય છે. તેમની ઈશ્વર પ્રત્યેની ર્દઢ શ્રદ્ધા પણ અહીં સુપેરે પ્રકટતી રહી છે. તે ગુજરાતી ભાષાની ઉત્તમ કરુણપ્રશસ્તિ બનવા જાય છે. ‘બુદ્ધચરિત’ અંગ્રેજી કૃતિ ‘લાઇટ ઑવ્ એશિયા’નો હૃદ્ય અનુવાદ છે. ‘મહાભિનિષ્ક્રમણ’ જેવી રચના કાવ્યપ્રેમીઓને અનેકશ: સ્પર્શી રહી છે. ‘સર્જનરાયની સુષુપ્તિ’ (1912) જેવાં વિનોદાત્મક કાવ્યોનો સંગ્રહ પણ તેમણે આપ્યો છે.

આમ ન્હાનાલાલ અને કાન્ત પૂર્વે નરસિંહરાવની કાવ્યપ્રવૃત્તિનું પોતાનું એક વિશેષ મૂલ્ય રહ્યું છે. શિષ્ટ-સંસ્કારી કાવ્યબાની, વિચાર અને છંદની પ્રૌઢિ, વિવિધ ભાવગૂંથણી વગેરે તત્વો તેમને અર્વાચીન ઊર્મિકવિતાના ઐતિહાસિક રીતે પ્રથમ અને અગ્રણી કવિ ઠેરવે છે. તેમનાં શ્રેષ્ઠ કાવ્યોનું ચયન કરીને ‘કાવ્યકુસુમ’ (સં. સુસ્મિતા મ્હેડ) નામનો સંગ્રહ પણ પ્રકટ કરાયો છે.

કવિતાની સમાન્તરે તેમની વિવેચનપ્રવૃત્તિ પણ સતત વિકસતી રહી છે. તે તેમને પંડિતયુગના પ્રથમ પંક્તિના વિવેચક ઠેરવે છે. 

નરસિંહરાવનું ભાષાશાસ્ત્રમાં રહેલું અર્પણ તેમને ગુજરાતના પ્રમુખ ભાષાશાસ્ત્રી ઠેરવે એવું સત્ત્વસમૃદ્ધ છે. ગુજરાતી સાહિત્ય પરિષદમાં (1905) પહેલી વાર રજૂ કરેલો ‘જોડણી’ વિશેનો દીર્ઘલેખ, તે ક્ષેત્રનો તેમનો યશસ્વી પ્રારંભ છે, જે દ્વારા માત્ર ગુજરાતના જ નહિ, દેશના એક મહત્ત્વના ભાષાશાસ્ત્રી તરીકે તેઓ પ્રસિદ્ધિ પામ્યા.

નરસિંહરાવની ગદ્યલેખનપ્રવૃત્તિમાં વ્યક્તિચિત્રો, નિબંધો વગેરે પણ કવિતાની જેમ સ્મરણીય રહેશે. એમની રોજનીશીનું આગવું મૂલ્ય રહ્યું છે.

3 thoughts on “નરસિંહરાવ દિવેટિયા”

  1. અભ્યાસપૂર્ણ લેખ ઘણી રીતે ઉપયોગી બનશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *