પ્રેમશંકર હ. ભટ્ટ
ગુજરાતી કવિ, નવલકથાકાર અને વિવેચક. ધ્રાંગધ્રા પાસેના રાજસીતાપુર ગામના તેઓ વતની હતા. ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી એમ.એ. થઈને આરંભમાં બર્મા શેલ કંપનીના પ્રકાશન અધિકારી તરીકે અને પછી મુંબઈની ખાલસા, સોફિયા અને સિદ્ધાર્થ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે તેમણે કાર્ય કર્યું હતું; પાછળથી અમદાવાદની સ્વામિનારાયણ કૉલેજ, ધ્રાંગધ્રાની આર્ટ્સ કૉલેજ અને પછી દહેગામની કૉલેજમાં આચાર્ય હતા.
ગાંધીયુગના આ કવિએ ‘ધરિત્રી’ (1943), ‘તીર્થોદક’ (1957), ‘મહારથી કર્ણ’ (1969), ‘અગ્નિજ્યોત’ (1972) અને ‘દીપ બુઝાયો’ (મરણોત્તર : 1977) એ કાવ્યસંગ્રહો આપ્યા છે. એમની કવિતામાં એમની હૃદયસંવેદના કુશળતાથી નિરૂપાયેલી છે. એમની ભાષામાં કોમળતા છે અને કલ્પના-તરંગો ઠીક ઠીક જોવા મળે છે. છંદોબદ્ધ કાવ્યો ઉપરાંત ગેય ઢાળોની એમને વિશેષ ફાવટ છે. કર્ણના વ્યક્તિત્વનાં વિવિધ પાસાંને ઉઠાવ આપતું એમનું સુદીર્ઘ કાવ્ય ‘મહારથી કર્ણ’ યુધિષ્ઠિરની વેદનાને વાચા આપી એમના આત્મદર્શનને અને માનસશ્રાદ્ધને સરસ રીતે નિરૂપે છે. ‘અગ્નિજ્યોત’માં દ્રૌપદી, દ્રોણ અને ભીષ્મની કરુણતાને કવિએ સંસ્કૃત વૃત્તોમાં સુરેખ રીતે આલેખી છે.
‘શ્રીમંગલ’(1954)માં એમનાં પદ્યરૂપકો ગ્રંથસ્થ થયાં છે અને એની અભિનેયતાને કારણે એ સફળતાથી ભજવાયાં પણ છે. ‘બીજલ’ (1948) નામે એમણે નવલકથા પણ લખી છે. વિવેચન અને અભ્યાસલેખોનાં એમના બીજા પુસ્તકો પણ છે. પ્રેમાનંદના ‘સુદામાચરિત્ર’(1963)નું એમણે સંપાદન પણ કર્યું હતું. ‘ચયનિકા’ (1942) પણ એમનું કાવ્યસંપાદન છે. ‘જીવનવિકાસ માટેનું શિક્ષણ’(1972)ના તેઓ સહઅનુવાદક છે. ~ ચિમનલાલ ત્રિવેદી
સૌજન્ય : ગુજરાતી વિશ્વકોશ (ટૂંકાવીને)
સરસ માહિતી.
સુંદર માહિતી આપવા બદલ ધન્યવાદ કવ્યવિશ્વ.