*તું નાનો, હું મોટો*
તું નાનો, હું મોટો –
એવો ખ્યાલ જગતનો ખોટો ;
આ નાનો, આ મોટો –
એવો મૂરખ કરતા ગોટો.
ખારા જળનો દરિયો ભરિયો,
મીઠા જળનો લોટો ;
તરસ્યાને તો દરિયાથીયે
લોટો લાગે મોટો.
નાના છોડે મહેકી ઊઠે
કેવો ગુલાબગોટો !
ઊંચા ઊંચા ઝાડે તમને
જડશે એનો જોટો ?
મન નાનું તે નાનો,
જેનું મન મોટું તે મોટો.
~ પ્રેમશંકર નરભેરામ ભટ્ટ

પ્રે.ભ. એમની ‘ હું નાનો.. ‘ કાવ્ય માટે ખૂબ જાણીતા છે. પાઠ્યપુસ્તકમાં પણ સામેલ છે. સરળ ભાષા ને અભિવ્યક્તિ એ એમની વિશેષતા છે.
વાહ, ત્રણેય રચનાઓ જાણીતી અને મજાની. કવિ ચેતનાને વંદન.
વાહ, કવિશ્રીની ત્રણેય રચનાઓ બહુ સરસ.