શકુર સરવૈયા ~ લોકો કહે છે

🥀 🥀

*લોકો કહે છે*

લોકો કહે છે કે મારો બૌદ્ધિક વિકાસ થયો છે.
હું
મૌન, ચુપકીદી અને નિ:શબ્દતા વચ્ચેનો ફરક
સમજી શકું છું.
કેડી, મારગ અને રસ્તાઓનો તફાવત
મારા મગજમાં બરાબર બેસી ગયો છે.
નજર નાખવી, નીરખવું, ધ્યાન દેવું
વગેરે મને સમજાવવું નથી પડતું.
મારું, અમારું,
તારું, તમારું,
પારકું, પરાયું,
બીજાનું, આપણું
આ ભેદભાવો મનમાં
રેતીમાં પડતા પગલાની જેમ ચોખ્ખાં દેખાય છે
સર્વાનુમતે જાહેર થયું છે કે હું સમજણો થયો છું.
મને લોકોની નાદાની ઉપર હસવું આવે છે.
તેઓને આની ખબર નથી :
હું બધાને
બહુ સારી રીતે ઓળખી ગયો છું.

~ શકુર સરવૈયા (10.8.1939)

ફોટો સૌજન્ય : સુરેશ જાની

*****

1 thought on “શકુર સરવૈયા ~ લોકો કહે છે”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *