લલિત ત્રિવેદી ~ ઋષિજી

🥀 🥀

*તણખલા પર*

ઋષિજી! આદરી દીધું છે આંદોલન, હું બેઠો છું તણખલા પર,
જગતનું ને ગુપતનું તાગી સમતોલન, હું બેઠો છું તણખલા પર.

ન કોઈ ઇલ્મ કે ફેલાવી સંમોહન, હું બેઠો છું તણખલા પર,
જીતી તેંતરીસ પૂતળીઓનું સિહાસન, હું બેઠો છું તણખલા પર.

થરકતા કોડિયે ઝલમલતો, હે મોહન!, હું બેઠો છું તણખલા પર,
ક્યાં મારે કરવો છે સંપન્ન ગોવર્ધન,હું બેઠો છું તણખલા પર.

જુઇમાં થૈને આવેલી લહર અડકે મને પણ થાય છે રોમાંચ,
મેં સાબૂત કીધા છે આદિમ સંવેદન, હું બેઠો છું તણખલા પર.

તણખલા જેટલે અજવાળે પહોચ્યો છું ગરથ અડસઠ વટાવીને,
ગતિ અજવાળતી ઝાલરના લઇ કંપન, હું બેઠો છું તણખલા પર.

હું તપ કરવા નથી બેઠો, તડપ લઈને હું બેઠો છું, મહર્ષિજી !
હવાસોહોશમાં રાખી છે મેં ધડકન, હું બેઠો છું તણખલા પર.

લઈ એક તાર હું બેસું તણખલા પર, ભગત બેસે છે મન્દિરમાં,
તણખલા જેટલું રાખ્યું છે મેં બંધન, હું બેઠો છું તણખલા પર.

~ લલિત ત્રિવેદી

જરા હટકે બાની લઈને આવતા લલિત ત્રિવેદી. ઋષિને સંબોધન કરીને આ કવિ તણખલા પરથી ખસવા નથી માંગતા. કદાચ સંબોધન એ લક્ષ્ય હોઈ શકે અને તણખલું એ સ્થિતિની અને માર્ગની વાસ્તવિકતા! આ વિશ્વમાં પોતાનું સ્થાન કે સમય તણખલા જેટલા પણ નથી એ આખીયે ગઝલનો મૂળ ભાવ દેખાય છે. જોવાની વાત એ છે કે વાસ્તવિકતા સ્વીકારાઈ છે પણ ઝૂકીને નહીં ! સ્વાભિમાન અખંડ રાખીને વાસ્તવના અજવાળે દેખેલું લક્ષ્યદર્શન કહી શકાય ! પંક્તિઓ જુઓ, ત્રેંત્રીસ પૂતળીઓનું (બત્રીસ નહીં, ધ્યાન રહે) સિંહાસન જીતીને નાયક બેઠો છે. હવે આ તેંત્રીસમી પૂતળી કોણ ? નાયક પોતે ? જવાબ શોધો. તો આગળ – સામાન્ય રીતે જ્યોત થીરકતી હોય! કવિએ કોડિયાને થરકતું બતાવ્યું છે. એટલે આત્માની જ્યોત સ્થિર છે. વળી કોઈ એવી ઊંચી મહત્વાકાંક્ષા નથી રાખી… ગોવર્ધન છો બીજા ઊંચકે, કવિને એ અપેક્ષિત નથી. એ તો જૂઈને અડકેલી લહરને પણ અનુભવી શકે એટલી ઊંડી સંવેદના ધરાવે છે. આ પ્રવાહને કાંઠે કાંઠે બધા શેર માણી શકાય (મારી દૃષ્ટિએ). અંતમાં આ સંસારના અમાપ બંધનોને કવિએ તણખલા જેટલાં કહીને એ કાપવાની શક્તિ પણ નિર્દેશી દીધી છે…. વાસ્તવિકતાના ફરી એકવારના સ્વીકાર સાથે… વાહ કવિ

****

11 thoughts on “લલિત ત્રિવેદી ~ ઋષિજી”

  1. વાહ.. કવિશ્રી લલિત ત્રિવેદીની ખૂબ સરસ ગઝલો માણવા મળી..
    કવિશ્રીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ 🎂🎈

  2. કવિની રચનાઓ વિવિધ સંદર્ભો સાથે અને અનેરા મિજાજ સાથે આવી છે. અભિનંદન.

  3. દિનેશ ડોંગરે નાદાન

    લલિતભાઈની રચનાઓ એક અલગ જ ભાત ઉપસાવે છે. અભિનંદન કવિ અને લતાબેન બંનેને.

  4. લલિત ત્રિવેદી

    આદરણીય લતાબેન… એક “અઘરી” કહેવાતી ગઝલને આપી આસ્વાદ્ય, સરળ કરી આપી… આનંદ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *