
🥀 🥀
પીઠે બાંધ્યા મણમણ તણા બોજ, ને ચાલવાનું
વાંકાચૂંકા ચઢ ઉતરના દીર્ઘ માર્ગો પરે હ્યાં;
હૈયા કેરા અમૃતરસમાં ઘોળવાં ઝેર ઝાઝાં,
ને એ સૌને અમૃતમય દેવાં બનાવી કલાથી!
આવી મોંઘી કઠિન કપરી જીવને એક દીક્ષા
જો ના દે તું જગતગુરુ! તો માગું શી અન્ય ભિક્ષા ?
જન્મી આંહી કુટિલ વ્યવહારે શકું કેડી કોરી
જો વૈષમ્યે અકુટિલ રહું સાચવી સાચદોરી
સીંચી સીંચી જલ હ્રદયનાં પથ્થરાળી ધરામાં
કૈ ઊગાડું, કંઈ વહી શકું ઉપરે અંતરે વા
છો ને રેલો મુજ જીવનનો અન્ય આંખો ન દેખે
તોયે જન્મ્યું મુજ હું સમજું લાગિયું કાંક લેખે
જો તું ના દે જગતગુરુ ઓ! આટલી એક ભિક્ષા
તો હું યાચું, દઇશ ન કદી જન્મની ફેરશિક્ષા.
~ સુંદરજી બેટાઈ (10.8.1905 – 16.1.1989)
ખૂબ જ સરસ સોનેટ.