ચંદ્રકાંત શેઠ ~ જલને જાણે & સાવન કેવો* Chandrakant Sheth

🥀🥀

*જલને જાણે*

જલને જાણે ફૂલ ફૂટિયાં,
જલને આવ્યાં પાન,
જલને આવ્યું જોબન,
એનો ઊઘડ્યો અઢળક વાન. –

જલ ચાલ્યું ત્યાં રેલો ફૂટયો,
જલ નાચ્યું ત્યાં ઝરણું,
ભયું સરોવર, જલ જ્યાં મીંચી
આંખ માણતું સમણું. –

જલ તો મીઠા તડકે નાહ્યું,
કમલસેજમાં પોઢ્યું,
કોક મોરને ટહુકે જાગ્યું,
હસતું દડબડ દોડ્યું ! –

ટપ ટપ ટીપાં ટપકે,
જલની આંખો સાથે ઝબકે,
કરતલમાં જ્યાં ઝીલો,
મોતી મનમાં સીધાં સરકે. –

ભીતર બેઠાં રાજહંસને
પરશે જ્યાં એ મોતી
,
રાજહંસ મોતીમાં છૂપ્યું
માનસ રહેતાં ગોતી.

~ ચંદ્રકાન્ત શેઠ

જળનું અદભૂત શબ્દચિત્ર !

*સાવન*

સાવન કેવો છકી ગયેલો !
દશે દિશાઓ ભેગી ડ્હોળી દેવા જકે ચઢેલો.

ડુંગર ડુંગર હનૂમાનની જેમ ઠેકડા ભરતો,
હાક પાડતો ખીણોનાં ઊંડાણ ઊંડેરાં કરતો,
સમદરને પણ હરતાં ફરતાં જાય દઈ હડસેલો. –

સોનાની લઈ વીજસાંકળો આભે થડ થડ દોડે,
બાંધી તાણે ક્ષિતિજ ચઢે શું હળધર સામે હોડે ?
નવલખ તારા, ગ્રહો, સૂરજ – સૌ હડપ કરી વકરેલો. –

~ ચંદ્રકાન્ત શેઠ

કવિના ગીતો જાણે લયના હિંડોળે ઝૂલ્યા જ કરે….

2 Responses

  1. ખુબ સરસ રચનાઓ ખુબ ગમી

  2. બંને કાવ્યો ખૂબ સરસ, કવિ શ્રી ની ચેતનાને વંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: