ચંદ્રકાંત શેઠ ~ સાંકડી શેરીમાં & બારીમાંથી ગગન * Chandrakant Sheth
🥀🥀
*આકાશનો સોદો !*
સાંકડી શેરીમાં આકાશ વેચવા નીકળેલો હું !
મને સાંકડી શેરીના લોકોએ ગાંડો માન્યો,
મારો હુરિયો બોલાવ્યો,
મને ધક્કે ચડાવ્યો,
મને પથ્થર માર્યા,
મારાં લૂગડાં ફાડ્યાં,
મારી મુઠ્ઠી છોડાવવા પ્રયત્ન કર્યો,
પણ આકાશ ઓછું જ હોઈ શકે મુઠ્ઠીમાં ?
બિચારા સાંકડી શેરીના લોકો !
એમને ખબર નથી
કે આકાશ કંઈ ખિસ્સામાં, પોટલીમાં
કે પેટીમાં કે મુઠ્ઠીમાં આવી શકતું નથી !
આકાશ તો
એમની આંખોના ઢળેલાં પોપચાં
ઊંચાં કરીને હું બતાવવાનો હતો.
આકાશ તો એમને
મળવાનું હતું એમનું એમ !
આકાશ વેચવાનું તો
એક બહાનું જ હતું માત્ર !
પણ સાંકડી શેરીના લોકો !
મને શેરી બહાર કાઢી
સૂઈ ગયા બારી-બારણાં વાસી
ગોદડામાં મોં ઘાલી.
હું ફરીથી ઘસડાતો ઘસડાતો
આકાશ આજે નહીં તો કાલે વેચાશે
એવી આશાએ
સંકલ્પપૂર્વક લેવા લાગ્યો સુદીર્ઘ શ્વાસ !
આ તો સાંકડી શેરીના લોકો
ને આકાશનો સોદો !
સહેજમાં પતે કે?
~ ચંદ્રકાન્ત શેઠ (3.2.1938-2.8.2024)
(સૌજન્ય : સમીર ભટ્ટ)
લોકોના સાંકડા મન અને કવિની ઉછળતી કલ્પનાઓ. બંનેને બરાબર વ્યાખ્યાયિત કરતું આ અછાંદસ આજે કવિની યાદમાં…. આકાશ હવે એમના હૈયામાં આવી ભરાયું છે અને સાંકડી શેરીથી એમને મુક્તિ મળી ગઈ છે.
ગઇકાલે કવિએ આ વિશ્વમાંથી વિદાય લઈ લીધી…
અલવિદા કવિ…
*સાદ ના પાડો*
બારીમાંથી ગગન પાડતું સાદ!
સાદ ના પાડો.
અમે દીવાલો, નથી અમારે પાંખ:
સાદ ના પાડો.
સૂનકારને સાગર અમને ડૂબ્યાં જાણો વ્હાણ,
ક્યાંથી જાણો તમે, અમોને છે પથ્થરના કાન?
પડછાયાની આંખો, એને નથી તેજની જાણ
સાદ ના પાડો….
જલ છોડીને કમલ આવશે ક્યાંથી રે આ રણમાં?
ખરી ગયેલું ફૂલ ખીલશે ક્યા કિરણથી વનમાં?
ઘુવડનાં માળામાં આવી સૂરજ પાડે સાદ!
સાદ ના પાડો.
અમે દીવાલો, નથી અમારે પાંખ
સાદ ના પાડો.
~ ચંદ્રકાન્ત શેઠ
‘સાદ ના પાડો’ કહેનાર કવિ હવે કોઇનોય સાદ ન પહોંચે એ સીમામાં પ્રવેશી ગયા છે. કવિની આ ઊર્ધ્વયાત્રા મંગલમય હો.
વિનમ્ર શ્રધ્ધાંજલી અર્પણ જળહળતો તેજ તારક અસ્ત થયો
કાવ્યનો એક પ્રખર અવાજ સાકડી શેરીમાંથી નીકળીને આકાશયાત્રાએ ઊપડી ગયો. શેરી રાંક બની છે. કવિને શ્રદ્ધાંજલિ
આ કવિતા હું માણી શક્યૌ ખરો પરંતુ એ સ્વાદને શબ્દબધ કરી શકતો નથી
અમારી શ્રધ્ધાજંલિ
ૐ શાંતિ, પ્રભુ એમના પવિત્ર આત્મા ને શાંતિ બક્ષે. વંદન.
કવિની દિવ્ય ચેતનાને વંદના…
“આકાશનો સોદો”અને સાદ ના પાડો ” આ બંને કવિતાના કવિ ચંદ્રકાંત શેઠ આધુનિકતા અને પરંપરાના સમન્વયકારી શિખરો પર એકસમાન રીતે વિહરી શકે છે.આકાશનો સોદોમાં આધુનિક રીતે સંવેદનાઓની અભિવ્યક્તિ છે જ્યારે સાદ ના પાડોમાં પરંપરિત શૈલીએ કવિતાને સિધ્ધ કરે છે.ચંદ્રકાંતભાઈ એ રીતે આપણા વિશિષ્ટ કવિ છે.આવા સંમાર્જિત કવિની વિદાય આપણને સૌને ન ગમતી ઘટના છે.કવિને અલવિદા કહી શકાતું નથી.પણ કહેવું પડે છે એ દર્દભર્યું સત્ય છે.
પ્રફુલ્લ પંડ્યા
કવિને વંદન. ઉમદા વ્યક્તિત્વને વંદન
દિવ્ય ચેતનાને વંદન