શૈલેશ ગઢવી ~ ગીતાની મૂળ વાત

🥀🥀

*પચાવી શક્યો નથી*

ગીતાની મૂળ વાત પચાવી શક્યો નથી,
અંગતની સામે બાણ ચડાવી શક્યો નથી.

ખીલ્યું હતું ગુલાબ એ કૂંડું ફૂટી ગયું,
એ ડાળ, પર્ણ, મહેક બચાવી શક્યો નથી.

તૂટી ગયેલું સ્વપ્ન પછી ક્યાંય ના જડ્યું,
ઇચ્છા અધૂરી તોય ફગાવી શક્યો નથી.

દોર્યું હતું એ વાતને વરસો વીતી ગયાં,
ઘરમાં હજી એ ચિત્ર સજાવી શક્યો નથી.

શ્વાસોચ્છવાસમાં છે હજી તારી હાજરી,
દરવાજે માત્ર નામ લખાવી શક્યો નથી.

~ શૈલેશ ગઢવી

કવિ શૈલેષ ગઢવીની આ ગઝલ ગમવાનું કારણ એ છે કે કવિ અહીં ખુલ્લી કબૂલાત કરે છે એટલે એ અર્થમાં આ કવિનું કબૂલાતનામું છે. મત્લાના શેરમાં વિષાદ છે, તો બીજા શેરમાં આજના પર્યાવરણની વાત છે. ત્રીજા શેરમાં પોતીકી પીડાની વાત છે તો ચોથા શેરમાં કવિ કહે છે કે પોતે ગમતું ચિત્ર તો વર્ષોથી દોરી રાખ્યું છે પણ એ ઘરમાં ટીંગાડી સજાવી ન શકવાનું એક દર્દ છે. અંતિમ શેરમાં કવિ કહે છે કે એક  નામ એવું છે કે જે શ્વાસ જેટલું અંગત છે જે જીવનપર્યંત સાથે છે પણ એ નામ જાહેર નહીં કરી શકવાની વેદના છે. કવિ શૈલેષ ગઢવીને અભિનંદન.

~ દર્શક આચાર્ય

4 thoughts on “શૈલેશ ગઢવી ~ ગીતાની મૂળ વાત”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    બંને ગઝલો ગમી ગઈ. આત્માવિષ્કાર,અનુભૂતિનો રણકતો અવાજ તથા પ્રબળ અભિવ્યકિત-બધી રીતે ધ્યાન કેન્દ્રિત કરનારી સુંદર રચનાઓ. કવિને અભિનંદન.

  2. ખૂબ ખૂબ આભાર કાવ્યવિશ્વ 🙏💐
    – શૈલેશ ગઢવી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *