નીતિન મહેતા~ ક્યારેક આપણાં * Nitin Maheta

🌸 🌸

*સપનાં*

ક્યારેક આપણા સપનાંને
ઝાંખપ વળે, કરચલીઓ પડે
વળી ક્યારેક સપનાં
થરથર કાંપે, ડગુમગુ ચાલે
પણ પ્રવાસ ન છોડે

ક્યારેક આ સપનાં
રોજરોજ સૂર્યપ્રકાશમાં
આપણા કેટલાયે
વિચારોને તરછોડી દે
ને કયારેક
સૂર્યકિરણની જેમ એક ડાળેથી
બીજી ડાળે ફર્યા કરે

જોકે સપનાં
ક્યારેક બરફ, ક્યારેક ધુમ્મસ
ક્યારેક વરાળ, ક્યારેક તરસ
ક્યારેક સત્તા, ક્યારેક શોષણ
સપનાં
ક્યારેક સજાવાય, ક્યારેક દેખાડાય
ક્યારેક ડહોળાય, ક્યારેક છીનવાય

તો સપનાં
ક્યારેક છબીમાં તડ પાડે
ક્યારેક વાતોમાં રંગ પૂરે
ક્યારેક મોઢાનું નૂર હરે

આ સપનાંઓની કોઈ ઓળખ?
હા, એ થોડા સાઈકોસોમેટિક
ને એના મરણની પણ વસંત.

~ નીતિન મહેતા (12.4.1944 – 1.6.2010)

કાવ્યસંગ્રહ : નિર્વાણ 1988

સપનાં કેવાં કેવાં હોઈ શકે એ કવિએ નિરાંતે વર્ણવ્યું, બરફ, ધુમ્મસ, વરાળ, તરસ….. ભાવક સમજી શકે કે આ સપનાંના ભાવોના પ્રતીક છે. સપનાં શું શું કરી શકે એ પણ કવિએ નિરૂપ્યું….. અંતમાં – ‘એના મરણની પણ વસંત’. મને લાગે છે કે પજવતા સપનાનું મરણ એ વસંત હોય શકે કેમ કે ઉપર જ કવિએ સપનાંને ‘સાઈકોસોમેટિક’ કહ્યાં, જે એક માનસિક રોગ છે!
પણ ‘સપનાં’ વિષય સરસ છે.
સપનાંની દુનિયા રંગીન હોવા સાથે કઢંગી પણ હોય છે. યાદ કરો એકાદ સપનું !
આમ તો સપનાં ન આવે એ જ સારી નિંદ્રા. ગાઢ ઊંઘમાં સપનાં ન હોય!
પણ એથીયે મહત્વની વાત છે ખુલ્લી આંખે જોયેલાં સપનાં ! એને સાકાર કરવા શ્રમ કરવો પડે છે, એટલો કે ક્યારેક એ આંખ મીંચાવા ન દે! તમામ મહાપુરુષોએ આવું એકાદ સપનું જોયું અને એને સાકાર કરવા એમણે આખી જિંદગી વીતાવી… .  

6 Responses

  1. સરસ કાવ્ય ખુબ ખુબ સરસ કાવ્ય પરિચય

  2. સપનાં નું કાવ્યમય, માનસિક વિષ્લેષણ ખૂબ જ સુંદર રીતે વણી લીધું છે. વાહ, સપનાં ને મારણની વસંત કહી ચરમસીમા લાવી દીધી.

  3. મરણ વાંચવું. મારણ ભૂલ AI ની, મારી નહીં.

  4. Minal Oza says:

    સપનાંની દુનિયા જ નિરાળી એ વાતને કવિએ સરસ બહેલાવી છે કાવ્ય પરિચય સરસ અપાયો. ધન્યવાદ.

  5. દાન વાઘેલા says:

    સ્વપ્ન સૃષ્ટિની ઊબડખાબડ શેરીઓની છબી સરસ ઝીલાયેલ છે. વળી એમાંય તડ…..તાદ્રશ્ય કરી… વાહ.

  1. 12/07/2024

    […] નીતિન મહેતા~ ક્યારેક આપણાં * Nitin Maheta યશવંત વાઘેલા ~ છંદમાં નહીં કવિતા * Yashvant Vaghela પ્રભાતનાં પંખી ~ લતા હિરાણી * Lata Hirani […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: