યશવંત વાઘેલા ~ છંદમાં નહીં કવિતા

🌸 🌸  

*છેવાડાનો માણસ*

છંદમાં નહીં કવિતા કરું હું
છંદ તો પ્રજ્ઞાચક્ષુઓએ પહેરેલાં ગોગલ્સ છે.
મને તો સગી આંખે બધું જ સંભળાય છે.
લયમાં પણ નહીં કવિતા કરું હું
મારી પાસે તો
પ્રલંબિત નિઃશ્વાસ છે, અમારા દુઃખોના,
એટલે
મારે તો કંડારવી છે,
તારા અવમૂલ્યનની-વિલયની કથા.
ક્યાં છે સમાનતા ?
તે બેસાડું હું પ્રાસ શબ્દનો !
અને સુખનો અનુપ્રાસ તો હજી વાંઝીયો છે.
રૂપ અને આકારની
રચના અને સંરચનાની
વ્યાભિચારી ચર્ચામાં મને રસ નથી.
કારણ કે આ પેટ ખાલી છે.
મને ભૂખનો સાક્ષાત્કાર થયો છે.
લાગે છે
હું માણસ થઈ જઈશ
તો શેતાનોને મારા પુત્ર બનાવી દઈશ.
પછી મારે લખવી છે,
છેવાડાના માણસની આનંદની કવિતા.

~ યશવંત વાઘેલા

એક વિદ્રોહની કવિતા. જેણે દુખ સહ્યા હોય તે જ એની પીડા જાણે અને જ્યાં પેઢીઓથી દુખ વેઠાયાં હોય ત્યાં પીડા જિન્સમાં એટલે કે લોહીમાં ઊતરી આવી હોય. એ તમામ વ્યવસ્થા સામે વિરોધ ઉઠાવે, તમામ ગોઠવણો સામે વિદ્રોહ કરે તો એ સાંભળવો જ પડે. કેમ કે એને અધિકાર છે. અલબત્ત આ શાંતિનો રાહ નથી, કોઈપણ પક્ષે. પરંતુ એમાં રહેલી સચ્ચાઈને નકારી શકાય નહીં.  

5 thoughts on “યશવંત વાઘેલા ~ છંદમાં નહીં કવિતા”

  1. વાહ, કાવ્ય કરવાની વિભાવના માંથી છેવાડાના માણસની વેદના સુધી વિચરતી કાવ્ય સંવેદના.

  2. કાવ્યમાં વિદ્રોહથી શરુ થતી વાત વેદના સાથે વિરમે છે. અનૂઠી શૈલી લખાયેલી રચના..

  3. Gordhanbhai Vegad

    વાહ વાહ…વિદ્રોહના લયસ્તરો વેદનાના કિનારે અથડાઈ ને વિદ્રોહમાં જ ભળી જાય છે ખૂબ સરસ👌👌

  4. દાન વાઘેલા

    યુગોથી માનવીય હક્ક માટે પંડમાં ધુંધવાતી પીડાનો સ્હેજ ઉપસી આવેલ શાબ્દિક કેલિડોસ્કોપ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *