વિજય રાજ્યગુરુ ~  બંધાણીની હું ધણિયાણી * Vijay Rajyaguru * Jitu Trivedi

વ્યસનીની ઘરવાળીનું ગીત

બંધાણીની હું ધણિયાણી મારો વર છે વ્યસની,
બીડી પીએ, ખાય તમાકુ, દારૂની પણ લગની.

હાડ તોડતાં કામ કરે ને પૈસા પામે ચાર !
સાંજ પડે ને પીવા માટે માટીડો તૈયાર !
ખોંખોંખોખોં કરે રાત દી’ પડ્યાં ફેફસે કાણાં !
ઉકરડી શી વધે દીકરી કેમ કરીશું આણાં ?
ઘરની એને કાંઈ ફકર્ય નહિ ચોવટ આખા જગની-
બંધાણીની હું ધણિયાણી…

ઉઘરાણીએ લોક આવતું નજરું કૂડી નાખે !
ફાટેલી ચોળી જોબનને કેમ કરીને ઢાંકે !
દારૂએ હેવાન બનાવ્યો ધણી બન્યો છે ભડવો !
ગમે અગર ભૂંસાય ચાંદલો, હાથ બને જો અડવો !
ભલે જાય માથાનું છત્તર એને અડકે અગની-
બંધાણીની હું ધણિયાણી….

ખેતર વેચ્યું, ગીરો ખોરડું, સોદો મારો કીધો !
ઉપરવાળાથી યે મારો ધણી કદી ના બીધો !
સુખના દા’ડા કદી ન દેખ્યા રડતી રાત્યું દેખી !
ખુલ્લી આંખે મા-બાપે દખના દરિયામાં ફેંકી !
હવે ઝેર ઘોળીને ઊંઘું પીડા શમે ધકધકની-
બંધાણીની હું ધણિયાણી…

~ વિજય રાજ્યગુરુ (2018માં પ્રકાશિત ‘ જાળિયે અજવાળિયું’માંથી)

વિશિષ્ટ સમાજને ઢંઢોળવાનો પ્રયાસ ~ જિતુ ત્રિવેદી  

માત્ર પ્રાસાનુપ્રાસથી જ ગીત ન બને. સમાજની અસહ્ય બદીઓ પ્રત્યે કવિની આક્રોશભરી ને કરુણાભરી દૃષ્ટિ પણ અર્થમય‌ પ્રાસાનુપ્રાસને સહજ ખેંચી લાવે. હંમેશ લયચ્યુત અવસ્થામાં જીવતી જણાતી હયાતીને વર્ણવવી કવિને ન ગમે તોય વર્ણન કરતી એની પંક્તિ પંક્તિ લયબદ્ધ શોભે.

આ એવું એક સામાજિક ગીત, જેની અસર માત્ર ગરીબ ઝૂંપડી નીચે જીવતા શ્વાસને જ થવી જરૂરી નથી, શોષક મહેલોનાં ઝૂમર નીચે પણ આવા ગીતનો અર્થ રેલાવો જરૂરી છે.

જોકે, અહીં સ્પષ્ટ કેન્દ્રિત છે એવાં કેટલાંક ખોરડાંની અભણ સ્ત્રીઓ આ ગીત  ક્યારે ને કેમ વાંચશે? નિર્વ્યસની સુજન તો વાંચીને કવિને બિરદાવે, કવિ પોરસાય; પણ લક્ષિત વસ્તીની ખેવના કેમ કરાય?

કવિએ ખુદ એવી કચડાતી રહેતી વસ્તી વચ્ચે જવું રહ્યું. કવિના આ શબ્દને કોઈ  સમાજસુધારક સાચવે, ફેલાવે. મેં તો મારાથી બનતું કર્યું. વાત ભાવનગર પૂરતી રાખું તો, ડૉ. પથિક પરમારે આ પ્રકારનું કાવ્યલેખન કર્યું છે. કદાચ દાન વાઘેલા વગેરે કવિઓની કૃતિઓમાં ખરી ચિંતા ડોકાઈ હશે.

ખાદ્ય‌ ને પેયથી પણ અલગ એવું કોઈપણ જાતનું અતિરેકપણું એટલે વ્યસન કે દુર્વ્યસન.

પણ સત્ય તો એ છે કે, શબ્દ પોતે જ શિર છે ને પાંવ છે. એ સ્થિર રહીને જીવનસંદેશ ફેલાવવા ચાલતો રહેવો જોઈએ.‌ હૃદયને સ્પર્શતું હોય એને વખાણવાની ઉપેક્ષા કરવી એના જેવું નિષ્ફળ દુર્વ્યસન એકેય નહિ.‌

કાવ્ય દ્વારા જે અતિ‌ મોહક કલ્પનાવિહાર પણ કરે છે એ જ કવિની જમીન સરસી ચાલી રહેલી કલમની આંખોએ જોયેલાં દૃશ્યો વાંચવાં તો‌ પડશે.

@@

9 Responses

  1. ઉમેશ જોષી says:

    વાસ્તવિક પરિસ્થિતિ ગીતમાં દેખાય છે.

  2. વિજય રાજ્યગુરુ says:

    મારી રચના પર ભાવનગરના ઋજુ સર્જક જિતુભાઈ ત્રિવેદીનો પ્રતિભાવ અને વિચારવિસ્તાર ગમ્યો. એમની ચિંતા વાજબી છે. મારું ગીત સદનોમાં બેઠેલાને ઢંઢોળે અને એમાંથી કોઈ પરિવર્તન માટે પ્રેરાય તો સર્જન સાર્થક બને. આભાર જિતુભાઈ. આભાર લતાબહેન.

  3. ખરેખર વ્યસન ખુબ ખરાબ છે ઘણી જીંદગી બરબાદ થઈ ગઈ છે ખુબ સંવેદનશીલ રચના

  4. Minal Oza says:

    આ વ્યસનનું ગીત માત્ર ખોરડા નું ન રહેતાં વિશ્વવ્યાપી બન્યું નથી. રાજકારણ પણ જવાબદાર છે. આ વ્યથાકથા કોને કહેવી!!

  5. કવિની સંવેદના જ્યારે આમ આદમીના ખોરડા સુધી પહોંચે ત્યારે આવું ગીત રચાય. આસ્વાદ પણ સરસ ઉઘાડી આપે છે.

  6. સોનલ પરીખ says:

    સાચી વાત છે, સાચા સર્જકની કલમ અને સાચા વાચકનું સંવેદન મોહક કલ્પ્નાવિહાર સાથે જમીનસરસા વિરૂપ દ્રશ્યોને પણ પ્રતીત કરે જ.

    ઝૂંપડીમાં રહેતી અભણ સ્ત્રી તો આ નહીં વાંચે. એ તો આ જીવે છે. પોતાના માટે કોઈએ આટલી હમદર્દીથી વિચાર્યું એની કદર કરવાની લક્ઝરી, એવો અવકાશ પણ એ ક્યાંથી લાવશે?

    પણ શબ્દોમાં પરિવર્તનની શક્તિ જરૂર છે. આપણી કામવાળી બહેનો, ચોકીદાર, વેઇટર, નાના દુકાનદારો પ્રત્યે આપણે સાચા સમભાવથી વર્તતા રહીએ તોય એક સારું કામ થાય.

    અમે બેંગલોર રહીએ મારી છીએ. શાકભાજી, ફળો, ગ્રોસરી ઓનલાઈન મગાવી લેવાનું કે મોલમાંથી ખરીદવાનું અહીં કલ્ચર છે. પણ મારો દીકરો થેલી લઈને નાના દુકાનદારો પાસેથી ખરીદી કરવા જાય છે. એને લીધે બેચાર બીજા પણ એવું કરતા થયા છે

    સોરી, પોસ્ટ લાંબી થઈ અને વિષયાંતર પણ થયું. વિજયભાઈ, જીતુભાઇ અને લતાબહેનને અભિનંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: