સર્જક : નાથાલાલ દવે * Nathalal Dave

સર્જક નાથાલાલ દવે  

અગ્રણી ગુજરાતી કવિ. ઉપનામ : સાદુળ ભગત, અધીરો ભગત. પિતા : ભાણજી કાનજી દવે. માતા : કસ્તૂરબા. પત્ની નર્મદાબહેન. પ્રાથમિક શિક્ષણ ભુવામાં, માધ્યમિક શિક્ષણ કુંડલા ખાતે અને ઉચ્ચ શિક્ષણ ભાવનગર (બી.એ. 1934, મુખ્ય અંગ્રેજી) અને વડોદરા ખાતે (એમ.એ. 1936, મુખ્ય વિષય ગુજરાતી. બી.ટી. 1943).

વ્યવસાય : શિક્ષણક્ષેત્રે શિક્ષક, આચાર્ય અને શિક્ષણાધિકારી તરીકે સેવા આપી, છેલ્લે જી. બી. ટી. સી., માંગરોળમાંથી આચાર્ય તરીકે નિવૃત્ત (1970). ‘સરસ્વતી’ (1953–1956) અને ‘જીવનશિક્ષણ’ (1956–1957) એ બે માસિકોનું તંત્રીપદ સંભાળેલું. કેટલોક સમય ‘ભાવનગર સાહિત્ય સભા’ના મંત્રી. ‘સાહિત્યભારતી’, ભાવનગરના અધ્યક્ષ.

સંયુક્ત કુટુંબનું મધુર વાતાવરણ, સાહિત્યકારોના પરિચય – તેઓની મૈત્રી; કવિવર ટાગોર, મહર્ષિ અરવિંદ અને ગાંધીજીના વ્યક્તિત્વનો પ્રભાવ; ગુજરાતી, સંસ્કૃત અને અંગ્રેજી સાહિત્યનું વાચન; સાહિત્યાનુરાગી શિક્ષકોનું પ્રોત્સાહન; સ્વાતંત્ર્ય ચળવળનું ઉત્તેજક વાતાવરણ; સમગ્ર ભારતનાં પ્રાકૃતિક સૌંદર્યસ્થાનોનાં પર્યટનો; સંગીતાદિ કલાઓ પ્રત્યે અભિરુચિ ઇત્યાદિ તેમની સર્જક પ્રતિભાને પ્રભાવિત કરનારાં પરિબળો છે.

નાથાલાલ અનુગાંધીયુગના મહત્વના કવિ-વાર્તાકાર છે. ‘કાલિંદી’ (1942), ‘જાહનવી’ (1961), ‘અનુરાગ’ (1973) અને ‘પિયા બિન’- (1978)નાં કાવ્યોમાં શુદ્ધ કવિતા પ્રત્યેનું વલણ અને સૌંદર્યાનુરાગ અનુભવાય છે. રમ્ય શબ્દચિત્રો, ભાવનું માધુર્ય, છંદો અને ગેય ઢાળો પરનું પ્રભુત્વ તથા લલિતમધુર કાવ્યબાની તેમનાં કાવ્યોને આસ્વાદ્ય બનાવે છે. નર્મમર્મ અને કટાક્ષજનિત હાસ્યથી ગુજરાતી કવિતાને સમૃદ્ધ કરવામાં તેમનું મૂલ્યવાન પ્રદાન છે, મુખ્યત્વે ‘ઉપદ્રવ’ : 1, 2 (1974; 1979) અને ‘હળવે હાથે’(ઉપદ્રવ : 3, 1982)માં એ કાવ્યો સાંપડે છે. મુક્તકસંગ્રહ ‘મુખવાસ’ (1983); ભક્તિકાવ્યોનો સંચય ‘આનંદધારા’ (1989), કવિવર ટાગોરનાં કાવ્યોના સુંદર પદ્યાનુવાદનો સંગ્રહ ‘રવીન્દ્ર-વૈભવ’ (1986), ‘પ્રીતનો ગુલાબી રંગ’ (1981), ‘ઉપહાર’ (1987), ‘ગાયે જા મારા પ્રાણ’ (1988) અને ‘પ્રણયમાધુરી’ (1991) તેમના અન્ય કાવ્ય-સંગ્રહો છે. જનજાગૃતિ, ચૂંટણી, દેશ-વિદેશની ઘટનાઓ, ગ્રામોત્કર્ષ અને ભૂદાનપ્રવૃત્તિ એ બાબતો પ્રત્યેની તેમની જાગરૂકતા ‘સ્વાતંત્ર્યપ્રભાત’ (1947), ‘જનતાને કંઠે’ (1952), ‘મહેનતનાં ગીત’ (1952), ‘લોકકંઠે’ (1953), ‘ભૂદાન યજ્ઞ’ (1959), ‘સોનાવરણી સીમ’ (1975), ‘હાલો ભેરુ ગામડે’ (1979), ‘ચુનાવ પર્વ’ (1979), ‘ભીની માટીની સુગંધ’ (1981), ‘સીમ કરે છે સાદ’ (1982), ‘જનજાગૃતિનો ઉત્સવ’ (1982), ‘ચુનાવ ચક્રવાત’ (1989) – એ સંગ્રહોનાં કાવ્યોમાં તથા ‘વિરાટ જાગે’ (1948) નાટક તેમજ ‘ભૂદાન યજ્ઞ’(સંગીત-રૂપક, 1953)માં પ્રગટ થાય છે.

નવું જીવતર’ (1945), ‘ભદ્રા’ (1945), ‘ઊડતો માનવી’ (1977), ‘શિખરોને પેલે પાર’ (1977) અને ‘મીઠી છે જિંદગી’ (1983) તેમના વાર્તાસંગ્રહો છે. વિષયનું નોંધપાત્ર વૈવિધ્ય, રોચક વર્ણનો, પાત્રના સૂક્ષ્મ મનોભાવોનું આલેખન, વાર્તાકથનની સહજ ફાવટ અને સરળ, પ્રવાહી ગદ્ય – એ વિશેષતાઓથી આ વાર્તાઓ અત્યંત રસપ્રદ બની રહે છે.

શ્રી અરવિંદયોગદર્શન’ (1942) નલિનીકાન્ત ગુપ્તાના અંગ્રેજી પુસ્તકનો તથા ‘મુદ્રારાક્ષસ’ (1956) હરદયાલુસિંહ લિખિત કથાસારનો અનુવાદ છે. કવિ હરગોવિંદ પ્રેમશંકરનાં ‘રુબાઈયાત અને બીજાં કાવ્યો’ (1946), ‘ચંદ્રગુપ્ત મૌર્ય અને બીજાં કાવ્યો’ (1948) તથા નાટક ‘વેનવધ’(1947)નાં સંપાદનો તેમણે આપ્યાં છે. ‘સાહિત્યપરાગ’ (1938) અને શ્રી અંબાણી સાથે ‘સાહિત્ય પાઠમાલા 1,2,3’ (1938) તેમનાં ગુજરાતી પાઠ્યપુસ્તકોનાં સંપાદન છે. તેમણે ચુનીભાઈ ભટ્ટ અને હીરાબહેન પાઠક સાથે ગ્રામસમાજની સચિત્ર વાચનપોથી ‘ચાલો વાંચતાં શીખીએ’ 1, 2, 3 પણ આપી છે. ‘મોતી વેરાયાં ચોકમાં’ (1993) હાસ્યરસિક ટુચકાઓનું સંપાદન છે. ‘પ્રસ્થાન’ અને ‘ફૂલછાબ’(દૈનિક)માં તેમણે લખેલાં અવલોકનો અગ્રંથસ્થ છે.

તેમની કૃતિઓને આ પ્રમાણેનાં પારિતોષિકો પ્રાપ્ત થયેલાં હતાં : (1) ગુજરાત રાજ્ય દ્વારા શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ તરીકે પુરસ્કૃત : ‘જાહનવી’, ‘અનુરાગ’; (2) 1978થી 1984ના ગાળાની શ્રેષ્ઠ હાસ્યકૃતિ તરીકે ‘ઉપદ્રવ’ને ‘હસાહસ’ માસિક દ્વારા પ્રથમ પારિતોષિક; (3) ‘રવીન્દ્ર-વૈભવ’ને શ્રેષ્ઠ પદ્યાનુવાદ માટે ડૉ. લાખાણી સુવર્ણચંદ્રક, (4) ‘ભદ્રા’ને ન. મા. સુરતી પારિતોષિક; (5) ‘શિખરોને પેલે પાર’ને 1970–1980ના દાયકાના શ્રેષ્ઠ વાર્તાસંગ્રહ તરીકે ‘સજની’ વાર્તામાસિક દ્વારા પારિતોષિક, ગુજરાત સરકારનું પારિતોષિક તથા જયંત ખત્રી ઍવૉર્ડ અને પુરસ્કાર; (6) ‘મીઠી છે જિંદગી’ને પારેખ પુસ્તકાલય, વિસનગર દ્વારા 1983ના શ્રેષ્ઠ વાર્તાસંગ્રહ તરીકે પારિતોષિક. ~ સનતકુમાર દિ. મહેતા

એવોર્ડ

(1) ‘જાહનવી’, ‘અનુરાગ’ : ગુજરાત રાજ્ય દ્વારા શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ તરીકે પુરસ્કૃત

(2) ‘ઉપદ્રવ’ને 1978થી 1984ના ગાળાની શ્રેષ્ઠ હાસ્યકૃતિ તરીકે ‘હસાહસ’ માસિક દ્વારા પ્રથમ પારિતોષિક

(3) ‘રવીન્દ્ર-વૈભવ’ને શ્રેષ્ઠ પદ્યાનુવાદ માટે ડૉ. લાખાણી સુવર્ણચંદ્રક

(4) ‘ભદ્રા’ને ન. મા. સુરતી પારિતોષિક

(5) ‘શિખરોને પેલે પાર’ને 1970–1980ના દાયકાના શ્રેષ્ઠ વાર્તાસંગ્રહ તરીકે ‘સજની’ વાર્તામાસિક દ્વારા પારિતોષિક, ગુજરાત સરકારનું પારિતોષિક તથા જયંત ખત્રી ઍવૉર્ડ અને પુરસ્કાર

(6) ‘મીઠી છે જિંદગી’ને પારેખ પુસ્તકાલય, વિસનગર દ્વારા 1983ના શ્રેષ્ઠ વાર્તાસંગ્રહ તરીકે પારિતોષિક. ~

*****

નાથાલાલ દવે  

જીવન : જ. 3.6.1912 ભૂવા – અ. 25.12.1993 ભાવનગર

માતા-પિતા : કસ્તુરબેન અને વૈદ્ય ભાણજી કાનજી દવે

જીવનસાથી : નર્મદાબેન  

સંતાનો : નિરંજન, અરવિંદ, સ્વ.શારદા, ધીરુભાઈ, ગોવિંદભાઈ

સૌજન્ય : ગુજરાત વિશ્વકોશ અને સરયુબેન પરીખ  

7 Responses

 1. Saryu Parikh says:

  કવિ નાથાલાલ દવેના ઘણા ભાવનગરી અને ગુજરાતના ચાહકોને આજની પ્રસ્તુતી ગમશે. “હવામાં આજ વહે છે ધરતી કેવી ખુશખુશાલી…”
  આનંદ સાથ આભાર. સરયૂ પરીખ.

 2. વાહ, ખૂબ સરસ સાહિત્ય સર્જન કરનાર કવિ, સાહિત્ય કારની ચેતનાને વંદન.

 3. ઉમેશ જોષી says:

  સાદર સ્મરણ વંદના.

 4. Minal Oza says:

  ભાવનગરમાં કવિશ્રીને સાંભળવાનો લાભ મળેલો.કવિને વંદન.

 5. બાબાપુર સર્વોદય સંસ્થા મા રૂબરુ સાંભળવા નો લાભ મળેલો ખુબ સરસ લેખ

 1. 03/06/2024

  […] Previous story સર્જક : નાથાલાલ દવે * Nathalal Dave […]

 2. 05/06/2024

  […] સર્જક : નાથાલાલ દવે * Nathalal Dave […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: