નાથાલાલ દવે ~ જાગો અંતર્યામી

જાગો અંતર્યામી

જાગો અંતર્યામી
મારા જાગો અંતર્યામી! હે મનમંદિરના સ્વામી!
જાગો અંતર્યામી!

નીર વહે ગંગાના ઘેરાં તટ ઊભી શિર નામી,
આયુષ્યમંજરીની ગ્રહી માળા તુજ કાજે, હે સ્વામી!
જાગો અંતર્યામી!

ટપટપ મારાં પુષ્પો ખરતાં, તારી નીંદ ન તૂટે;
વ્યર્થ સુગંધ જતી જીવનની, ધીરજ મારી ખૂટે,
જાગો અંતર્યામી!

મારા ઉરમાં, અણુ યે અણુમાં;  જાગો જીવન સ્વામી!
ડૂબે છાયા, વિખરે માયા, દિવ્ય પ્રભા રહું પામી;
જાગો અંતર્યામી!

~ નાથાલાલ દવે (3.6.1912 – અ. 25.12.1993)

(કાવ્યસંગ્રહઃ ‘પિયાબિન’માંથી)

કવિના જન્મદિને સ્મૃતિવંદના  

કવિશ્રી પ્રજારામ રાવળ, ‘હળવે હાથે’ કાવ્યસંગ્રહની પ્રસ્તાવનામાં લખે છે, “શ્રી નાથાલાલનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘કાલિંદી’ 1942માં પ્રગટ થયો ત્યારે તેની સુંદર પ્રસ્તાવનામાં શ્રી. ઉમાશંકર જોષીએ આ કવિની નર્મમર્મ વૃત્તિની નોંધ લીધેલી કે ‘આ માણસનાં લક્ષણ ચોખ્ખાં છે. હું પોતે કહેતાં થાકતો નથી કે હાસ્ય એ માણસની માણસાઈનું એક આગવું લક્ષણ છે, વિરલ સંસિદ્ધિ છે. આપણા આ કવિમાં હાસ્યની સ્પષ્ટ લહરી વરતાય છે…પ્રસન્ન નિર્મલ હાસ્યકવિતા’. આ ચાલીસ વર્ષોમાં નાથાલાલ દવેને હાથે 1500 જેટલાં ગીતો-કાવ્યો રચાયાં…હાસ્ય કટાક્ષકાવ્યો અને ગંભીર વિષયોનું ખેડાણ સજ્જતાથી થયું છે…”

સૌજન્ય : શ્રી સરયુ પરીખ

વાંચો નાથાલાલ દવેના સર્જક જીવન વિશે. નીચેની લિન્ક પર

10 thoughts on “નાથાલાલ દવે ~ જાગો અંતર્યામી”

  1. કવિ નાથાલાલ દવેનું “આજ આભમાં આનંદ ના સમાય રે, ઢળે રુપેરી ચાંદની.” ગીતની યાદ સાથે…
    સરયૂ પરીખ.

  2. ઉમેશ ઉપાધ્યાય

    બન્ને રચનાઓ સરસ 👌🏻👌🏻👌🏻

  3. રતિલાલ સોલંકી

    બંને રચનાઓ મનભાવન.અભિનંદન.

  4. સરયૂબહેને આપણને સરસ કવિતાઓ પીરસી. ધન્યવાદ. શ્રી પ્રજારામ રાવળે આપેલી નોંધ ષરસ છે.

  5. બંને રચનાઓ ખૂબ સરસ છે. કાચી રે માટીના ઘૂમે ઘડુલિયા… ખૂબ સુંદર ભાવ 👌👌

  6. આપ સર્વેનો આનંદ સાથ આભાર. મામા ક્યાંકથી આનંદિત થતા હશે!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *