કાવ્યાસ્વાદમાં અભિધા-લક્ષણા અને વ્યંજનાનું મહત્વ ~ નવલસિંહ વાઘેલા ભાગ 3 * Navalsinh Vaghela
(૩) વ્યંજનાથી કાવ્યાસ્વાદન :- ભાગ 3
અભિધા અને લક્ષણા ઉપરાંત પણ શબ્દમાંથી ત્રીજો અર્થ પ્રાપ્ત થતો હોય છે.વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ સિવાયના આવા અન્ય અર્થને (વ્યંગ્યાર્થ) કહેવામાં આવ્યો છે. વ્યંજના શબ્દશક્તિ એ અભિધા અને લક્ષણાથી ઉચ્ચતર ને સૂક્ષ્મતર શક્તિ છે. એમાં “ અભિધા-લક્ષણા પોતાનો અર્થ પ્રગટ કરી વિરમી જાય ત્યારબાદ અન્ય અર્થ(વ્યંગ્યાર્થ)પ્રકટ થાય છે.” વ્યંજનાને વ્યક્ત કરનાર શબ્દ ‘વ્યંજક’ શબ્દ અને વ્યંજનાથી પ્રગટ થતો અર્થ ‘વ્યંગ્યાર્થ’ કહેવાય છે. વ્યંજનાથી પ્રતીત થતો અર્થ વ્યંગ્યાર્થ પ્રતીયમાન અર્થ કે ધ્વનિ (ધ્વન્યર્થ) કહેવાય છે. વ્યંજના એટલે અભિધા અને લક્ષણાના અર્થથી વિશિષ્ટ એવો વ્યંગ્યાર્થ દાખવનારી શબ્દશક્તિ.
વ્યંજનાથી સ્ફુરતો વ્યંગ્યાર્થ ‘ધ્વનિ’ કહેવાય છે. એટલે વ્યંજના ‘ધ્વનિ’ની જનની છે. કાવ્યસૃષ્ટિનો વ્યાપાર વ્યંજનાત્મક હોય છે. “ધ્વનિ કાવ્યનો આત્મા છે” ‘કાવ્યસ્યાત્મા ધ્વનિ:’ કાવ્યમાંથી સ્ફુટ થતી વ્યંજના અનોખું કાવ્યતત્વ છે.
“ અનેકાર્થસ્ય શબ્દસ્ય વાચક્ત્વે નિયંત્રિતે,
સંયોગાધ્યૈરવાચ્યાર્થધીકૃધ્વ્યાપૃતિરાંજનં.
અર્થાત્ “ જ્યારે અનેક અર્થવાળા શબ્દના સંયોગ આદિ દ્વારા વાચકત્વ(વાચ્યાર્થ) નિયત થઈ જાય છે ત્યારે તે શબ્દના કોઈ અન્ય અર્થનું જ્ઞાન ઉત્પન્ન થાય છે. ” આવું જ્ઞાન ઉત્પન્ન કરનાર વ્યાપાર તે ‘અંજના’ કે ‘વ્યંજના’ જેમ કે –
“ એવં વાદીની દેવર્ષૌ પાર્શ્વે પિતુરધોમુખી,
લીલાકમલપત્રાણિ ગણયામાસ પાર્વતી.
અર્થાત્ “નારદ હિમાલય સાથે શંકર અંગે વાત કરી રહ્યા હતા ત્યારે પિતાની પાસે ઊભેલી પાર્વતી નીચે મુખે લીલાં કમળપત્રો ગણતી હતી. ” અહીં પાર્વતીની શરમ,શંકર પ્રત્યેનો છૂપો રાગ આદિ ભાવો વ્યંજિત થાય છે. મૂળ અર્થનો અહીં તિર્યકતા સાથે વિચાર થાય છે.
વ્યંજનાના મુખ્ય બે પ્રકારો છે : (૧)શાબ્દી અને (૨) આર્થી. આમ તો શબ્દ અને અર્થ સાથે જ હોય છે પણ પ્રાધાન્યને લક્ષમાં રાખીને એ ભેદ કરવામાં આવ્યા છે. શાબ્દીક વ્યંજનાના બે પેટા પ્રકારો છે : (૧) અભિધામૂલા અને (૨) લક્ષણામૂલા
આર્થી વ્યંજના દસેક પ્રકારે પ્રવર્તે છે.
“ વક્તૃબોદ્ધવ્યકાકૂનાં વાક્યાવાચ્યાન્યસન્નિધે:
પ્રસ્તાવદેશકાલાદેવૈ: શિષ્ટાયાત્પપ્રતિભાજુષાં.
અર્થાત્ – વક્તા, શ્રોતા, વાક્ય, કાકુ, વાચ્યાર્થ, સન્નિધિ,પ્રસ્તાવ,દેશ,કાળ,ચેષ્ટા આદિ અનેક પ્રકારે આર્થી વ્યંજના પ્રગટે છે.
– શાબ્દિ વ્યંજના : જે વ્યંજનામાં શબ્દનું પ્રાધાન્ય હોય એને શાબ્દિ વ્યંજના ગણવામાં આવે છે.
– આર્થી વ્યંજના : જે વ્યંજનામાં અર્થનું પ્રાધાન્ય હોય એને આર્થી વ્યંજના ગણવામાં આવે છે.
યાઅર્થસ્યાર્થધીહેતુર્વ્યાપારો વ્યક્તિરેવ સા.
વ્યંજનાવ્યાપારમાં અર્થવિલંબન પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. આધુનિક સંરચનાવાદિ વિવેચક રોલાં બાર્થ જેને ‘Suspended Meaning’ કહે છે. એમાં પણ આ વ્યંજનાવ્યાપાર સમાવિષ્ટ રહેલો જોઈ શકાશે.
કાવ્યના રસાસ્વાદ વખતે અભિધાશક્તિથી જે અર્થ પ્રાપ્ત થાય તે પછી તરત જ સ્ફુટી આવતો અર્થ વ્યંજનાશક્તિથી સ્ફુટ થાય છે. જેમ કે –
“ જલધિજલદલ ઉપર દામિની દમકતી,
યામિનીવ્યોમસર માંહિં સરતી;
કામિની કોકિલા, કેલી કૂજન કરે,
સાગરે ભાસતી ભવ્ય ભરતી;”
અહીં શાબ્દિ અને આર્થી બન્ને પ્રકારની વ્યંજનાથી કાવ્યાસ્વાદન થાય છે. આગળની બે પંક્તિઓમાં જલની, શુભ્રતા, દિવ્યતા વ્યંજિત થાય છે. જ્યારે પછીની બે પંક્તિઓમાં ક-સ-ભ વર્ણનું આવર્તન એટલું રમ્ય નાદ જગવે છે કે તેમાંથી શબ્દનો લાલિત્યભાવ વ્યંજિત થાય છે.
કાવ્યાસ્વાદનમાં અભિધા-લક્ષણા અને વ્યંજના :-
કોઈપણ કાવ્યનો આસ્વાદ માત્ર અભિધા કે માત્ર લક્ષણા કે માત્ર વ્યંજનાથી જ શરૂ થઈને તે જ શક્તિમાં પરીપૂર્ણ થતો નથી પણ બધાં જ કાવ્યોમાં અભિધા,લક્ષણા અને વ્યંજના જેવી એકથી વધુ શબ્દ શક્તિઓથી કાવ્યાસ્વાદન થાય છે. એક એવું ઉદાહરણ જોઇએ જેમાં શબ્દની અભિધા,લક્ષણા અને વ્યંજના શક્તિથી રસાસ્વાદન થતું હોય. દા.ત
“ તને જોઈ જોઈ તોય તું અજાણી,
(જાણે) બીજને ઝરૂખડે જુકી’તી પૂર્ણિમા
ઝાઝેરો ઘૂંમટો તાણી.
રાજેન્દ્ર શાહના ઉપરોકત કાવ્યમાં અભિધા શક્તિથી જાણી શકાય છે કે એક સ્ત્રીના સૌંદર્યની પ્રશંસા થઈ છે. લક્ષણા શક્તિથી જાણી શકાય છે કે સ્ત્રીના મુખને ચન્દ્ર કલ્પવામાં આવ્યું છે,અને વ્યંજના શક્તિથી જાણી શકાય છે કે અહીં માત્ર ચન્દ્ર કે સ્ત્રીની વાત નથી પણ ચાંદની રાતે પ્રિયતમે જોયેલી,ઝંખેલી નાયિકા વ્યંજનાશક્તિથી આપણી સમક્ષ પ્રગટ થાય છે.
લેખ સંપૂર્ણ
પ્રા. નવઘણસિંહ બી. વાઘેલા
(સંસ્કૃત વિભાગાધ્યક્ષ)
શ્રી એન.એમ.શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, શંખેશ્વર.
તા.સમી, જિ.પાટણ(ઉ.ગુ.) – ૩૮૪૨૪૬
સરસ લેખ
સરસ આલેખન.
વાહ સરસ લેખ માટે વાઘેલા સાહેબ ને ધન્યવાદ.
ખુબ સરસ આલેખન અભિનંદન
અભિધા – લક્ષણા અને વ્યંજના વિશે નવલસિંહનો સરળ છતાં સક્ષમ લેખ. બીજુંબધું તો લતાબહેનની સુરુચિને અનુરૂપ ધન્યવાદ.
આભાર અને વંદન
આભાર
સરસ લેખ
ઘણું ભુલાઈ ગયેલું તાજું થયું! Kavyvishva વાંચવા no લાભ.