લતા હિરાણી ~ જયશ્રીરામ

રામનવમીના પવિત્ર દિને સૌના હૃદયમાં વસેલા રામને વંદન

જયશ્રીરામ

દીવડાઓની હાર ઝગી છે નભદરવાજે જયશ્રીરામ
નાદ
, ઘોષ ને સ્વરલહરીઓ એક અવાજે જયશ્રીરામ.

ઓકળીએ આંગણ અજવાળ્યાં, અવસરના મંડપ રોપાયા
મંગલ ગીતો રહે છવાયાં, મનના દ્વારે જયશ્રીરામ

શેરી, નાકા, પાદર, ગામો, નગર ગલી સૌ ચક્કાજામ
દૃશ્યોના દરબાર ભરાયા, ધૂન બોલાયે જયશ્રીરામ

વનવાસે જે વિહરી વ્યાપ્યાં, ન્યાય સત્યને જેણે સ્થાપ્યાં
સમદર એના શ્રીચરણોને, રોજ પખાળે જયશ્રીરામ

ધર્મ એ જ છે ધારણ એનું, કર્મ એ જ છે કારણ એનું
એ જ સારથિ એ જ વિસામો, રહે સદાયે જયશ્રીરામ

એ જ ધરા ને છે નભમંડળ, સૂર્ય એ જ, છે તારાચંદર
વાયુ એને લઈને વહેતા, કણ કણમાં એ જયશ્રીરામ

દીવાલો ના રહી સલામત, નડતર સૌ થઈ ગયા અવાચક
ભેદ ભરમ ક્યાં? ખૂલી હકીકત, જાદુ વ્યાપે જયશ્રીરામ

બોલ બબાલો કરતા જેઓ, દોણી *દૈની ભરતા તેઓ  
હડસેલાશે, ઠેલાશે ને ખૂણે થાશે જયશ્રીરામ

ભલે મુખોટા પહેરી ફરતા, જનતા ઠગવા વેશો ધરતા
કદી અરીસા ભણી ન જોશે, છો અટવાશે જયશ્રીરામ

આ કોઈ ના થઈ કરામત, સમય થયો છે આજે સાવધ
મૂળિયાં સદીઓની વિરાસત, એ સચવાશે જયશ્રીરામ

હૈયે જેને દશરથબાળ, હાથોમાં દિશા વરમાળ
ભારતમાના સંતાનો સૌ, સદાય ગાશે જયશ્રીરામ

જયશ્રીરામ જયશ્રીરામ 

~ લતા હિરાણી   

*દૈ-નસીબ

પ્રકાશિત > શબ્દસૃષ્ટિ 2-2024

મારી વાર્તા આપ નીચેની લિન્ક પર વાંચી શકો છો. આભાર.

6 thoughts on “લતા હિરાણી ~ જયશ્રીરામ”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    રામનવમીના પર્વ પર મળી જયશ્રીરામ રદીફ વાળી ઉત્તમ ગઝલ. સરસ.અભિનંદન,લતાબેન.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *