
ઝળહળ હતું
આંખ મીંચી તો બધે ઝળહળ હતું
આંખ ખોલી તો નજરનું છળ હતું
ઠારવાને આગ, ત્યાં ક્યાં જળ હતું?
લઈને દોડ્યો માટ, ત્યાં મૃગજળ હતું.
બંધ ઘરને મૌન દરવાજા હતા,
જ્યાં નજર અંદર કરી, ખળભળ હતું.
હું હતો ને ત્યાં સમુંદર પણ હતો,
ડૂબકી મારી, અતળ ત્યાં તળ હતું.
સાવ નાની વાતની અફવા હતી,
પણ બધે દિવાસળીનું બળ હતું.
~ સુરેશ‘ચંદ્ર’ રાવલ
મત્લાનું ચિંતન ઝળાહળાં કરી મૂકે એવું છે. ને એમ જ અંતિમ શેર પણ મન મોહી લે છે. અફવાને પગ નહીં, પાંખ હોય છે એ જાણીતી વાત છે અને કવિએ એમાં દિવાસળીની આગ ઉમેરીને એમાં કેવી તાકાત ઉમેરી દીધી! નજર સામે ભમ્યા કરતાં આભાસો અને એમાં અટવાયા કરતાં માનવીઓની વાત કાવ્યાત્મક રીતે નિષ્પન્ન થઈ છે.

બંને કાવ્યો પોતાનું પોત લઈને આવે છે. અભિનંદન.
ગઝલ અને અછાંદસ રચના ખૂબ ગમી.
માનનીય શ્રી લતાબેન… આપશ્રીનો ખૂબ ખૂબ આભાર. મારી કાવ્ય રચનાઓને આપ ” કાવ્ય વિશ્વ’ ” ના પટલ પર મૂકી રહ્યાં છો તે બદલ હું ઋણની લાગણી અનુભવું છું…! તેમજ વિવેચકોની સરાહના બદલ આભાર માનું છું….! ” કાવ્ય વિશ્વ ” ની યાત્રા અવિરત વહેતી રહે તેવી શુભેચ્છાઓ…!
આનંદ આનંદ સુરેશભાઈ …
આદરણીય લતાજી, આપની સાથે સહમત છું, પહેલો આને છેલ્લો શેર ખૂબ ચોટદાર છે. વાસ્તવિક વાતને કાવ્યમાં પરોવી કમાલ કરી છે બીજી અછાંદસ કવિતામાં.
નાની વાતની અફવા એને મળયું દિવાસળીનુ બળ…વાહ વાહ અને…પછીની ઘટના પર …..કવિતા ન રચાય….ઓહો ઑહો