ઉત્તમ રાષ્ટ્રગીત – મીનાક્ષી અને અશ્વિન ચંદારાણા * Minaxi Chandarana, Ashwin Chandarana

જનગણમન-અધિનાયક જય હે ભારતભાગ્યવિધાતા!
પંજાબ સિંધુ ગુજરાત મરાઠા દ્રાવિડ઼ ઉત્કલ બંગ
વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલજલધિતરંગ
તવ શુભ નામે જાગે, તવ શુભ આશિષ માગે,
ગાહે તવ જયગાથા
જનગણમંગલદાયક જય હે ભારતભાગ્યવિધાતા!
જય હે, જય હે, જય હે, જય જય જય જય હે

બાકીની પંક્તિઓ આ પ્રમાણે છે.

અહરહ તવ આહ્વાન પ્રચારિત, શુનિ તવ ઉદાર બાણી
હિન્દુ બૌદ્ધ શિખ જૈન પારસિક, મુસલમાન ખ્રિસ્તાની
પૂરબ પશ્ચિમ આસે, તવ સિંહાસન પાશે, પ્રેમહાર હય ગાથા
જન-ગણ-ઐક્ય-વિધાયક જય હે, ભારત-ભાગ્ય-વિધાતા
જય હે, જય હે, જય હે, જય જય જય જય હે ||
 
પતન-અભ્યુદય-વન્ધુર-પન્થા, યુગ-યુગ-ધાવિત યાત્રી,
હે ચિર સારથિ, તવ રથચક્રે, મુખરિત પથ દિન રાત્રિ
દારુણ વિપ્લવ-માઝે, તવ શંખધ્વનિ બાજે, સંકટદુઃખત્રાતા
જન-ગણ-પથ-પરિચાયક જય હે, ભારત-ભાગ્ય-વિધાતા,
જય હે, જય હે, જય હે, જય જય જય જય હે ||

ઘોર તિમિરઘન નિવિઙ નિશીથે, પીઙિત મુર્ચ્છિત દેશે
જાગૃત દિલ તવ અવિચલ મંગલ, નત નયને અનિમેષે
દુઃસ્વપ્ને આતંકે, રક્ષા કરિલે અંકે, સ્નેહમયી તુમિ માતા,
જન-ગણ-દુઃખત્રાયક જય હે, ભારત-ભાગ્ય-વિધાતા,
જય હે, જય હે, જય હે, જય જય જય જય હે ||

રાત્રિ પ્રભાતિલ, ઉદિલ રવિચ્છવિ, પૂર્બ-ઉદયગિરિભાલે
ગાહે વિહંગમ, પૂણ્ય સમીરણ, નવજીવનરસ ઢાલે,
તવ કરુણારુણરાગે, નિદ્રિત ભારત જાગે, તવ ચરણે નત માથા,
જય જય જય હે, જય રાજેશ્વર, ભારત-ભાગ્ય-વિધાતા,
જય હે, જય હે, જય હે, જય જય જય જય હે ||

@@@

ઉત્તમ રાષ્ટ્રગીત — મીનાક્ષી અને અશ્વિન ચંદારાણા

આજથી લગભગ ત્રણ હજાર વર્ષ પહેલા પણ આ દેશના એક કવિએ પોતાની માતૃભૂમિનું સુંદર પ્રભાત નિહાળ્‍યું હતું, અને એમના કંઠેથી આ શબ્‍દો ફૂટ્યા હતા…

માતૃભૂમિઃ પુત્રોઙહં પૃથિવ્‍યાં

અર્થાત્‌, ધરતી મારી માતા છે અને હું એનો પુત્ર છું. અથર્વવેદમાં ધરતીની વંદનાના ખૂબ સુંદર મંત્રો છે. આ બધા મંત્રો ‘પૃથ્‍વી-સૂક્‍તનામથી પ્રખ્‍યાત છે. ઉપરોક્‍ત પંક્‍તિ પણ પૃથ્‍વી-સૂક્‍તની જ છે.

માતૃભૂમિનું સૌંદર્ય નિહાળીને એ કવિની જેમ જ રવીન્‍દ્રનાથના હૃદયમાંથી પણ વંદનાના છંદ ફૂટ્યા…

ડિસેમ્‍બરનું એક સ્‍વર્ણપ્રભાત.

કવિવર ટાગોર પૂર્વાકાશ પર છવાયેલાં સુંદર વાદળો અને એ વાદળો વચ્‍ચેથી ડોકિયું કરતા બાલરવિને મુગ્‍ધતાથી નિહાળતા હતા. જાણે એક પછી એક સુંદર પડદા ખસતા જતા હતા અને પ્રભાત હર ઘડી નવું તેજ, નવા આકાર ધરીને ઊગી રહ્યું હતું. બગીચામાં ચોતરફ સુંદર ફૂલો પોતાની મહેક પ્રસરાવતાં ખીલી રહ્યાં હતાં, અને કવિનું મુગ્‍ધ મન પ્રકૃતિના આ અસીમ ચિત્રસાગરમાં રહીરહીને ખોવાઈ જતું હતું.

ખોવાઈ ગયાની એ પળોમાં કાશ્‍મીરથી કન્‍યાકુમારી સુધીના એક મહાપ્રદેશનો નકશો એમના માનસપટ પર ઊપસી આવ્‍યો. માનસરોવર, કૈલાસ, બદ્રીનાથ, ગંગા, યમુના, કાશી, પ્રયાગ, બ્રહ્મપુત્રા, વિંધ્‍યાચલ, નર્મદા, ગોદાવરી, કૃષ્‍ણા, કાવેરી, પુરી, પંચવટી, રામેશ્વર… એમનાં મનોચક્ષુ સુંદરતા, પવિત્રતા તેમજ મહિમાથી સજેલી માતૃભૂમિના એક-એક અંગનો જાણે સાક્ષાત્‍કાર પામ્‍યાં.

હાથ જોડીને એમણે પોતાના વિશાળ, મહિમામય સ્‍વદેશને પ્રણામ કર્યા. અને શ્રદ્ધાનો અર્ધ્‍ય અર્પણ કર્યો એ જગતપિતાને, જેણે આ પૃથ્‍વી પર આવા પ્રદેશની રચના કરી.

જનગણ મન અધિનાયક જય હે, ભારત ભાગ્‍ય વિધાતા

આ ગીત સૌ પ્રથમ ૨૭ ડિસૅમ્‍બર, ૧૯૧૧ના દિવસે કૉન્‍ગ્રેસના અધિવેશનમાં ગવાયું હતું. એનું સ્‍વરાંકન પણ કવિએ પોતે જ કર્યું હતું. ‘ભારત વિધાતા’ શીર્ષક હેઠળ આ ગીત, સૌ પ્રથમ ૧૯૧૨માં ‘તત્‍વબોધિનીસામયિકના જાન્‍યુઆરી અંકમાં છપાયું હતું. આ સામયિકના સંપાદક ટાગોર પોતે જ હતા. એ જ અંકમાં મૂળ ગીતની સાથેસાથે, એ પ્રભાતનું વર્ણન પણ હતું, જેના થકી કવિને આ ગીત લખવાની પ્રેરણા મળી. ટાગોરનું ગીત તો પાંચ ભાગનું છે. રાષ્ટ્રગીત તરીકે આપણે માત્ર પહેલો ભાગ જ અપનાવ્‍યો છે.

આ આખુંય ગીત, એ વિરાટ વિશ્વાત્‍માની સ્‍તુતિ છે, જે સર્વનો સર્જનહાર છે, પાલનહાર છે અને ભાગ્‍યનિયંતા છે. ગીતની શરૂઆતથી અંત સુધી સમસ્‍ત સંસાર માટે મંગલકામના છે. એક તરફ્‍ ઈશ્વરનો મહિમા ગાયો છે, બીજી તરફ સંસારનાં બધાં રાષ્ટ્રો, બધાં લોકોને પ્રેમના સૂત્રમાં પરોવાવાનું આહ્‌વા છે.

પહેલી પંક્‍તિ ‘જનગણ મન અધિનાયક જય હેથી ગીતની શરૂઆત થાય છે. આ પંક્‍તિમાં એવા પરમાત્‍માની વંદના છે, જે નથી કોઈ દેશવિશેષનો, નથી કોઈ જાતિવિશેષનો કે નથી કોઈ ધર્મવિશેષનો. એ તો ધરતી પર વસતા દરેક મનુષ્‍યનો ઈશ્વર છે, અંતર્યામી છે, પ્રેરક છે. ગીતની આ પંક્‍તિ આપણી સંસ્‍કૃતિની મૂળ ભાવનાને પ્રગટ કરે છે. આપણા પૂર્વજોએ સમસ્‍ત વિશ્વને ઈશ્વરનું રૂપ માન્‍યું છે. ‘વાસુદેવઃ સર્વમિદમ્‌’. તુલસીદાસજીએ પણ રામચરિતમાનસ લખતી વખતે આમ જ વંદના કરી છે.

સિયારામમય સબ જગ જાનિ
કરહું પ્રનામ જોરિ જુગ પાનિ

આપણા રાષ્ટ્રગીતની પ્રથમ પંક્‍તિ દેશપ્રેમને કૂપમંડુકતામાંથી બહાર લાવીને વિશ્વપ્રેમના મહાસાગરનું રૂપ આપે છે.

પદની અંતિમ પંક્‍તિ ‘જનગણ મંગલદાયક જય હૈ’ પ્રથમ પંક્‍તિની જ પૂરક છે. પ્રથમ પંક્‍તિનો ‘જનગણમન અધિનાયક’ –મનુષ્‍યમાત્રના હૃદયનો શાસક –અંતિમ પંક્‍તિમાં ‘જનગણ મંગલદાયક’ –સંસારના બધા જ માનવોનું મંગળ કરવાવાળો છે.

ગાંધીજીએ કહ્યું હતું, ‘‘…આ કરોડો મનુષ્‍યોના હૃદયમાં જે ઈશ્વર વસે છે, એ સિવાયના બીજા કોઈ ઈશ્વર પર મારી આસ્‍થા નથી… મારી તો અચળ શ્રદ્ધા છે કે આ કરોડો મનુષ્‍યોની સેવા દ્વારા જ હું એ ઈશ્વરને પ્રસન્ન કરી શકીશ.’’

આમ, આ ગીત કેવળ કવિની મધુર કલ્‍પના નથી. એ આપણી સંસ્‍કૃતિ, સહસ્ત્રાબ્‍દિઓથી અખંડપણે સચવાયેલી આપણી શ્રદ્ધા –આપણી સાધનાનું પ્રાણસંગીત છે, વિશ્વાત્‍મા માટેનો આપણો પ્રેમરાગ છે. પોતાના શરીરમાં રહેલ આત્‍મા ઉપરાંત બીજાના આત્‍માને પોતાના ગણીને હૃદયથી ચાહવાનું કહે છે.

સંસારના કોઈ દેશનું રાષ્ટ્રગીત આવી ભાવના વ્‍યક્‍ત કરતું નથી. બ્રિટનના રાષ્ટ્રગીતમાં શત્રુ-દમન કરનારા ઈશ્વરને પોતાના દેશના શાસકને ચિરંજીવી બનાવવાની પ્રાર્થના છે. ફ્રાન્‍સના રાષ્ટ્રગીતમાં અજેય ફ્રાન્‍સના એકચક્રી શાસન તળે સંસારને સુખી કરવાની પ્રતિજ્ઞા છે. જર્મનીએ તો અત્‍યાર સુધીમાં ચાર વખત પોતાનું રાષ્ટ્રગીત બદલ્‍યું છે. અમૅરિકાનું લાંબુ રાષ્ટ્રગીત લગભગ બધી જ પંક્‍તિઓમાં પોતાનું યુદ્ધખોર માનસ છતું કરે છે. સૉવિયેત રાષ્ટ્રગીત પોતાની માતૃભૂમિનું જ જયગાન કરે છે. આપણા એશિયાઈ પડોશીઓનાં રાષ્ટ્રગીતો પણ મોટાભાગે આવાં જ છે.

ચીનનું રાષ્ટ્રગીતઃ

કોટિ કોટિ હૃદયોમાં, હો ધડકન એક સમાન,
ભલે દુશ્‍મનની તોપ વરસાવે આગ,
છતાં, ન થંભો, કદમ ધરો આગળ,
છાતી પર ઝીલતા ઘાવ,
આગળ ધપો, આગળ ધપો.

અર્થ સ્‍પષ્ટ છે. આ યુદ્ધગાન છે, રણભેરીનો ઘોષ છે, વિનાશનું તાંડવ છે, શત્રુના નાશનો સંકલ્‍પ છે.

જાપાનનું રાષ્ટ્રગીત ત્‍યાંના સમ્રાટના દીર્ઘજીવન માટેની પ્રાર્થના છે. એ સંસ્‍કૃતિ અને સભ્‍યતાનો સૂત્રધાર સમ્રાટ જ છે. એ ગીત–

હે પ્રભુ
અમ સમ્રાટને તું જીવન આપ એટલાં વર્ષોનું
કે જેટલાં વર્ષોમાં,
રેતીનો એક નાનકડો કણ,
બની જાય વિશાળ પર્વત.

પોતાના રાષ્ટ્રના કલ્‍યાણથી આગળ વધીને આમાં કોઈ બીજી વાત નથી. સમ્રાટ પ્રસન્ન રહે, સમ્રાટ પ્રજાનું કલ્‍યાણ કરે, સુખ આપે… શરૂઆતથી અંત સુધી આ જ કામના છે. માતૃભૂમિની પૂજાને સ્‍થાને જાપાનની પ્રજાના હૃદયમાં વ્‍યક્‍તિપૂજાનો ભાવ વધારે પ્રબળ છે.

એશિયાના અન્‍ય દેશોમાં ફ્‍ક્‍ત મ્‍યાનમાર (બર્મા)નું જ રાષ્ટ્રગીત એવું છે, જે વિશ્વકલ્‍યાણની ભાવનાને મહત્ત્વ આપે છે. ગીત ઘણું પ્રભાવશાળી અને ઊંચા વિચારોવાળું છે. કેટલીક પંક્‍તિઓ–

આ છે આપણી પોતાની જનની-જન્‍મભૂમિ,
જે રચાયેલી છે ન્‍યાય, સ્‍વતંત્રતા અને સમાનતાના શુભ સંકલ્‍પો પર,
જે કરે છે સ્‍થાપના દિવ્‍ય, પવિત્ર, વિશ્વશાંતિની.

પરંતુ, આ ગીતનો હૃદયપક્ષ ઘણો નિર્બળ છે. વિચાર કે બુદ્ધિપક્ષના ઊંડાણમાં કોઈ કસર નથી; પણ ભાવનાની એ તરલતા, એ વિપુલતા, પ્રેમનું એ આહ્‌વાન અને આગ્રહ, આ ગીતમાં નથી, જે જન-જનને એક-મન, એક-પ્રાણ કરી દે. ત્‍યારે ભારતના રાષ્ટ્રગીતની સૌથી મહત્ત્વપૂર્ણ વિશેષતા એ જ છે, કે એ કોઈ ભૂમિખંડ, રાજા, શાસક કે સિદ્ધાંતોની નહીં, પરંતુ એ મંગળમય ભગવાનની સ્‍તુતિ છે, જે પોતાના અપાર માંગલ્‍ય અને પ્રેમ થકી ઘટઘટનો અંતર્યામી છે.

@@@@@

3 Responses

  1. પ્રફુલ્લ પંડ્યા says:

    આજે આપણા ગણતંત્ર દિવસે ” કાવ્ય વિશ્વ” દ્વારા આપણું રાષ્ટ્રગીત રજૂ કરીને કમાલ કરી.આ કમાલ મિનાક્ષીબેન અને અશ્વિનભાઈની જુગલ જોડીએ રાષ્ટ્રગીત વિશે કરેલી અસાધારણ સુંદર અને વિસ્તૃત છણાવટની છે.આ સાથે અન્ય રાષ્ટ્રોના રાષ્ટ્રીગીતો વિશે પણ મહત્વપૂર્ણ સમજુતિ આપી છે. સાચી રાષ્ટ્રભક્તિ અને દેશપ્રેમની આ પ્રસ્તુતિ સમયોચિત અને આવકાર્ય છે.આપ સૌને હાર્દિક અભિનંદન !
    પ્રફુલ્લ પંડ્યા

  2. વાહ ખુબ સરસ

  3. વાહ, ખૂબ જ સરસ સરખામણીમાં આપણું રાષ્ટ્ર ગીત છે. કવિવર ટાગોર ને સલામ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: