હવે થાય તે ખરું
સોંપ્યું તને, હે રામ! હવે થાય તે ખરું,
તારે હજારો કામ, હવે થાય તે ખરું.
જો, દંડ, ભેદ, દામ, બધુંયે હતું છતાં,
અપનાવ્યું મેં તો શામ, હવે થાય તે ખરું.
એકાદ એવી વાત કહેવાઈ ગઈ હશે,
એણે ગજાવ્યું ગામ, હવે થાય તે ખરું.
શરણાઈના સૂરો હવે જ્યાં બંધ થઈ ગયા,
ખખડી શકે છે ઠામ, હવે થાય તે ખરું.
ઓગાળવાને દર્દ, ખુદ ઓગળી ગયો,
બદનામ પેલો જામ, હવે થાય તે ખરું.
સરખામણીમાં શું કરવું પેશ? લ્યો કહો,
મૂક્યું અમે તો નામ, હવે થાય તે ખરું.
~ ડૉ. મુકેશ જોષી
