કવિ કલાપીને સંબોધીને લખાયેલા શેર * Kalapi

અક્ષરનું સિંહાસન રચીને એણે
રાજ્ય સ્થાપ્યું છે
ગુર્જરીગિરામાં ~ ડો. હર્ષદેવ માધવ

પીર પીડાનો ગઝલનો મીર તું અલબત્ત કલાપી
ગુજરાતી શાયરીની મોંઘી અતિ મિલકત કલાપી

~ હર્ષદ ચંદારાણા

કટોરાઓ કલા કેરા કલાકારે ભર્યા નાઝીર
કલાને પી જવા માટે કલાપીની જરૂરત છે

~  નાઝીર દેખૈયા

સૌન્દર્ય આંખોમાં ભરું ત્યાં તો કલાપી સાંભરે
બે વાત ગઝલોની કરું ત્યાં તો કલાપી સાંભરે
~ હરજીવન દાફડા

અધુરી લાગશે ઓળખ તું કલ્પના તો કર !
ગઝલ વગરની કે લાઠી વગર કલાપીની

~ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

હતો એ રાજવી કેવો પ્રતાપી યાદ આવે છે,
પ્રણયના ગીતનો ગાયક કલાપી યાદ આવે છે

~ કુતુબ આઝાદ

કેકારવ આપ્યો કવિ સ્નેહે લખિયા છંદ,
પ્રેમીજનને વાંચતા અંતરમાં આનંદ

~ પિંગળશીભાઈ ગઢવી

નવા શાસ્ત્રો નવી વેદી, નવી ગીતા કલાપીની,
અહા ગુજરાતમાં ટહુકે અજબ કેકા કલાપીની

~ કવિ મસ્તાન

ભારતી ભોમના ગુર્જરી વ્યોમમાં,
ચમકતો એક ઉગ્યો સિતારો,
ધરા સૌરાષ્ટ્રની ચમકતી રહી અને

ચમકતો કચ્છ કેરો કિનારો.
શારદા માતને, સર્વ ગુજરાતને,

ગર્વ ગૌરવ તણાં ગાન આપી,
પ્રેમરસ પી ગયો, અશ્રુ આપી ગયો,

કલાસ્વામી ગયો તું કલાપી ~ દુલેરાય કારાણી

હે ગુર્જરી ગઝલ તું છે કેવી ભાગ્યશાળી !
તું હોય પારણામાં ને દોરી ધરે કલાપી
~ પ્રણવ પંડ્યા

હજ્જારો મોર જીણાં બોલતા’તા તારે ડુંગરીએ,
રસિકજન વાંચવા બેઠા હતા જ્યારે કલાપીને !

~ હરીશ મીનાશ્રુ

એણે સમર્પી દીધું મન પ્રેમ સાધનાને,
કેડી કવન, મનનની રચતો ગયો કલાપી

~ સાગર નવસારવી

માઘ, મહેતા, ને મીરાની મસ્તી કહી આપે,
જીવનને ધન્ય રાખ્યું, મૃત્યુને મલકાવતું રાખ્યું તમે !

~ ધૈર્યચન્દ્ર બુદ્ધ

અંતે પામ્યો પરમ પ્રીતની યાદી સન્મુખ સ્થાયી,
જ્યાં જ્યાં તારી નજર પડી સર્વત્ર ત્યાં હે કલાપી

~ ઉશનસ

ઉભી છે ગ્રામ્યમાતા રસભર્યા કૈ પ્યાલાઓ લઈને,
ખૂટે જ્યાં રસ કરુણાનો, તરસમાં આપને જોયા !

~ ડો.વી.પી. રાવલ ‘અમૃત’

તું કલાપી છે કવિ, શાયર વળી દિલદાર છે,
ગુર્જરીવાણી તણું તું મોતી પાણીદાર છે,
તું વિયોગી, તું જ યોગી, તું જીગરનો યાર છે !
રાગ સાથે ત્યાગની ગઝલો તણો ગાનાર છે

~ બકુલ રાવલ ‘આદમ’

સ્નેહી, યોગી, કહો રાજા, મહાત્મા, ભક્ત કે કવિ !!
પ્રકારો ભિન્ન છે તો એ પૂજા તો સુરસિંહની

~ કવિ સાગર 

તું કલાપી છે કવિ, શાયર વળી દિલદાર છે,
ગુર્જરીવાણી તણું તું મોતી પાણીદાર છે

~ બકુલ રાવલ ‘આદમ’ (26.1.1874 – 9.6.1900)

કવિ કલાપીને વંદન

2 Responses

  1. બધાજ શેર ખુબ સરસ કલાપી ને શબ્દાંજલી

  2. ખૂબ જ સરસ સંકલન. કવિ કલાપીને વંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: