સમી સાંજરે
લાગણીઓનું ધણ આ આવ્યું ખીલે પાછું સમી સાંજરે,
ખડાં થઈ ગ્યાં સ્મરણ-વાછરુઃ અરે ક્યારનાં અહીં ભાંભરે!
હડફડ ઊગી ગયાં ખોરડાં,
લચ્યો લીમડો શોરે,
ટોળે વળિયા ખણક-ઓરડાઃ
નીરખે ટીંબો કોરે.
રણની વચ્ચે સાત સમુંદર, મઝધારે આ પલક નાંગરે..…
ઉજાગરાંનાં તેલ-કચોળાં
માંચી જોડે મૂક્યાં,
રણઝણ વ્હેલ્ય સમાં ઘરચોળાં
તોરણ નીચે ટૂંક્યાં.
ઓકળીઓ થૈ ઊડ્યા ઓરતા વળગાડ્યા જે હતા ઝાંખરે.
આવી આવી બારણિયેથી
ગયા મેહ આથમણા,
ગઈ ઊપટી આંગણિયેથી
પાનખરોની ભ્રમણા,
કોણ સોડિયે દીવો લૈને હજી ઊભું આ જીરણ માંજરે?
~ ભાનુપ્રસાદ ત્રિવેદી (જ. 16.1.1931)

બન્ને રચના ખૂબ સરસ…
આકડે ભ્રમર…. વાહ.
ખૂબ જ સરસ કાવ્યો,
બન્ને ખૂબ સરસ અને ઉમદા કવિતા… પ્રથમ કવિતા ખૂબ સંવેદન સભર… વતનનું જૂનું ઘર એટલે સ્મરણોનો ખજાનો.. તેની સાથે અઢળક પ્રસંગો જોડાયેલાં હોય… ખૂબ આભાર લતાબેન…