જ્યોતિષ જાની ~ રાત્રિની શ્વેત છાયામાં

તારા ફિક્કા હાથમાં

રાત્રિની શ્વેત છાયામાં

નતમસ્તકે તું ઊભો હોઈશ

તારી આસપાસ

એક ખૂબસૂરત ઝેરીલી ડાકણ

માથું ધુણાવી ધુણાવી

તને રીઝવવા મથશે.

થોડી એક ક્ષણોમાં

એનું નશીલું ઝેર તને ચઢવા માંડશે

દુઃશાસનની ભુજાઓનું બળ

તારામાં પ્રગટશે, અને – 

હવા જેવા પારદર્શક વસ્ત્રને

તું ખેંચવા માંડીશ

સૌંદર્યની એક ઝલક પામવા

રાત્રિભર હાંફતો હાંફતો

ધરતી ઉપર ઢળી પડીશ

પ્રભાતનું પહેલું કિરણ ફૂટશે ત્યારે –

રૂપેરી તંતુઓથી ગૂંથેલું

એક સ્વપ્ન

તારા ફિક્કા હાથમાં ઊગી નીકળશે.

~ જ્યોતિષ જાની 9.11.1928

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *