સુરેન્દ્ર કડિયા ~ ન એકો & તું લખે છે * Surendra Kadiya

સ્યાહી નથી
તું લખે છે ક્યાંય ઈલાહી નથી
દોસ્ત! તારી પેનમાં સ્યાહી નથી
ભીડ, નકરી ભીડનો સંગાથ છે
રાહમાં એકેય હમરાહી નથી
એ ગઝલનું રૂપ લઈ આવ્યા કરે
માત્ર એની કોઈ આગાહી નથી
સર્વ-અર્પણતા હકીકત દૂરની
તેં ભૂમિકા ત્યાગની ગ્રાહી નથી
તું શિખરો સર કરે પણ શી રીતે?
તેં તળેટી ચાહીને ચાહી નથી.
~ સુરેન્દ્ર કડિયા
છેલ્લો શેર જુઓ ! શબ્દોની કેવી સુંદર રમત !
ગઝલ-વેદ પંચમ
ન એકો, ન દ્વિતીયમ્, ન તૃતીયમ્-ચતુર્થમ્
ગહન ગેબ ગુંજે ગઝલ-વેદ પંચમ
શબદ-મોક્ષ, તર્પણ-વિધિ કેમ કરીએ !
અગોચર એ નદીઓ, અગોચર એ સંગમ
વિચારો છે કેવળ વિચરતાં સ્વરૂપો
પછી હોય ઉત્તમ, કનિષ્ઠમ્ કે મધ્યમ્
હથેળીમાં આકાશ મૂકી બતાવ્યું
છતાં લોક પૂછે છે સ્થાવર કે જંગમ
અમે એક મધપૂડો બાંધ્યો છે પગમાં
શું ગચ્છામિ શરણં, શું ગચ્છામિ ધમ્મમ્
~ સુરેન્દ્ર કડિયા
આટલા સંસ્કૃત શબ્દો સાથે આવી મજાની ગઝલ રચી શકાય ! વાહ…. એક તરફ પગમાં મધપૂડો બાંધ્યાની વાત, સંસારમાં અટવાયેલા રહેવાની વાત અને સાથે સાથે બુદ્ધમ શરણં ગચ્છામિનું અદભૂત અનુસંધાન….
સરસ રચનાઓ
કવિ શ્રી ની બન્ને રચનાઓ ખુબ સરસ અભિનંદન
વાહ, બંને ગઝલો ખૂબ જ સરસ, આનંદ.