નવાં ગીત ~ દિલિપ જોશી * Dilip Joshi
નવાં ગીત ~ દિલિપ જોશી
“ગવાય તે ગીત” ની વ્યાખ્યા હવે રહી નથી. ગીતમાં પ્રાસ અનુપ્રાસ આવે અને ના પણ આવે પરંતુ લય એ ગીતનો પ્રાણ છે. ગીતમાં લય હોવો જ જોઈએ. ગીતમાં પંક્તિએ પંક્તિએ પ્રાસ અનુપ્રાસ તો માત્ર એના સૌંદર્ય, આકાર અને તાલની બાબતમાં જ ઉપકારક હોય છે. કેટલાક ગીત માત્ર તેના પઠનમાં જ ઉત્તમ લાગતા હોય છે. ગેયતાની બાબતમાં તે કદાચ પઠન જેટલું અસરકારક ના પણ હોય. આવા ગીતનું સ્વરાંકન કોઈ સિદ્ધહસ્ત ગીતમરમી સ્વરકાર દ્વારા થયું હોય તો ક્યારેક એ આવકાર્ય પણ બને છે. એમ છતાં એ ગીત અત્યંત સાહિત્યિક હોવાથી એની ગેય સ્વીકૃતિ સર્વમાન્ય બની શકતી નથી. આવા ગીતો ભાવકને એના પઠનમાં ખૂબ જ પ્રભાવિત કરે છે.
જરૂરી નથી કે બધા જ ગીતો ગવાય. કેટલાક ગીતો પઠન અને ગવાય એ કરતા પણ અતિવ્યંજનાને કારણે મનન કરવા યોગ્ય હોય છે. શાંતિથી એકાંતમાં એનો એક એક શબ્દ માણવાથી ગીતના મર્મનો આનંદ, પઠન અને એની ગેય રજૂઆત કરતા પણ અધિક હોય છે. તો કેટલાક ગીતો માત્ર ગેય હોય ત્યારે જ આનંદ આપે છે. એનું પઠન સાવ સપાટ અને સીધુંસટ્ટ લાગતું હોવાથી એમાં બહુ રંજકતા લાગતી નથી. આવું ગીતનું ગેય સ્વરૂપ જ સર્વથા સ્વીકાર્ય બન્યું છે. એટલે જ આપણને ઝાંઝપખાજ અને લોકઢાળિયા તળપદિયા લટકાળા ગીતોનો એકધારો સૂર આજ સુધી સંભળાતો રહ્યો છે. જો કે આ માન્યતામાં હવે આજકાલ થોડોક સુધારો આવ્યો છે અને “કાવ્ય સંગીત” તરીકે ગીતનો સ્વીકાર થવા લાગ્યો છે. સ્વરકારો ગીતના પરંપરિત લય આકાર સિવાયના વધતી ઘટતી માત્રાઓવાળી નાની મોટી પંક્તિઓ વાળા અનિયમિત આકારના કાવ્યો સ્વરબદ્ધ કરી શ્રોતાઓ સમક્ષ અવારનવાર રજૂ કરી રહ્યા છે. આવા પ્રયોગ ક્યારેક ખૂબ જ આવકાર્ય અને સફળ બનતા હોય છે. આવા “કાવ્ય સંગીત”થી નવ્ય ગીત પણ વધુને વધુ સ્વીકૃત બનતું જશે એ હવે સ્વીકારવું જોઈએ.
કવિએ કોઈ કૃતિને ગીત તરીકે રજૂ કરી હોય ત્યારે તે ગવાઈ જ શકે એ વાત સો ટકા સત્ય છે એ પણ હવે સૌએ સ્વીકારવું પડશે.
~ દિલીપ જોશી
વિરોધાભાસી વિચાર કેમ?
વાતની શરૂઆત આમ થઈ: ‘ગવાય તે ગીત” ની વ્યાખ્યા હવે રહી નથી. મતલબ ગીત ગાઈ શકાય એવું હોવું જરૂરી નથી.
પણ વાતનો અંત આમ આવ્યો: કવિએ કોઈ કૃતિને ગીત તરીકે રજૂ કરી હોય ત્યારે તે ગવાઈ જ શકે એ વાત સો ટકા સત્ય છે એ પણ હવે સૌએ સ્વીકારવું પડશે. – મતલબ ગીત ગવાવું જોઈએ…
લેખક સ્પષ્ટતા કરશે?
ગીતનો સંગીત સાથે સંબંધ સરસ રીતે જોડી આપ્યો. આમ છતાં ગીત કવિતામાં નુતન અભિગમ વિશે વિસ્તૃત છણાવટ કરતો લેખ આપશે તો વધુ આનંદ થશે.
વિવેકભાઈ,
એ સ્વરાંકન અને સંગીતના સંદર્ભમાં છે.નાની મોટી પંક્તિઓ અને પ્રાસ અનુપ્રાસ વગરની રચનાને પણ જ્યારે કવિએ ગીત તરીકે ગણાવી હોય ત્યારે એ જરૂર સ્વરબદ્ધ થઈ શકે છે અને ગવાઈ શકે છે.એ સ્વરકારની સજ્જતા પર આધારીત છે.બાકી દરેક ગીત ગવાવું જ જોઈએ એવો મતલબ નથી.- દિલિપ જોશી
આપની આ બધી વાતો સાથે સંપૂર્ણ સહમત છું.
ખુબ સરસ અભિનંદન કાવ્ય વિશ્વ
આભાર છબિલભાઈ
વાહ દિલીપભાઈ, ગીત વિશેની ચર્ચામાં આપના મુદ્દાઓ પણ ખૂબ જ રસપ્રદ અને વિચારણીય છે.આપ અધિકારી ગીત સર્જક છો.આ શ્રેણીમાં વધુ લેખો આપો તો સૌને ઉપયોગી થશે.હાર્દિક અભિનંદન !
પ્રફુલ્લ પંડ્યા