KS 448 ~ પૂર્ણિમા ભટ્ટ ~ એ ગયો * Purnima Bhatt

એ
ગયો તે ગયો
કોયલ પાસેથી
ટહૂકો ચોરી લાવી’તી
સાગર પાસેથી
નર્તન ચોરી લાવી’તી
પુષ્પ પાસેથી
સુગંધ ચોરી લાવી’તી
સંધ્યા પાસેથી
મેઘધનુષી ઓઢણી ચોરી લાવી’તી
…………………….
તે સઘળું પાછું દઈ આવી !!!
~ પૂર્ણિમા ડી. ભટ્ટ
તારું જવું – લતા હિરાણી * કાવ્યસેતુ 448 > દિવ્ય ભાસ્કર > 8.8.23
કાવ્યની શરૂઆત, પહેલી પંક્તિમાં એક જ શબ્દ છે ‘એ’ અને બીજી પંક્તિમાં ‘ગયો તે ગયો’, ‘ગયો’ શબ્દનું પુનરાવર્તન. બહુ સાંકેતિક છે. એક પંક્તિમાં એક જ શબ્દ ‘એ’ આપીને એમાં જ જેને કહેવું છે એને સંબોધન અને આખા કાવ્યનો વિષય રોપી દીધો છે. પછી બીજી પંક્તિમાં ‘ગયો’નું પુનરાવર્તન ‘હવે તે પાછો નહીં આવે’ની સમજણ આપી દે છે. આ ભાષાની ખૂબી છે.
આ નાનકડી કવિતામાં સાવ સીધાસાદા શબ્દોમાં સચ્ચાઇનો ગજબનો રણકો છે. તદ્દન સરળ, સમજાય એવા થોડાક શબ્દોમાં એક પ્રણયી જીવની જે વાત છે એમાંયે કશું નવિન નથી. સીધીસાદી શરૂઆત છે, ‘એ ગયો તે ગયો…’ એના જવાની વાતને કોઇ કલ્પનથી શણગારી નથી. કેમ કે કોઇના જવાથી પ્રકરણ પૂરું થઇ જાય છે.
કવિતા આગળ વધે છે અને વિષયમાં કલ્પન જોઇએ તો ‘કોયલનો ટહૂકો’, ‘સાગરનું નર્તન’, ‘પુષ્પની સુગંધ’ કે ‘મેઘધનુષની ઓઢણી’ હજારોવાર કહેવાઇ ગયેલી વાત છે. પણ હા, ‘ચોરી લાવી’તી’…. શબ્દોની અનુભૂતિ માણવા જેવી છે. અહીંયા માત્ર ‘લાવી’ શબ્દ વાપરી શકાયો હોત. પણ ના, એ ‘ચોરીને લવાયાં છે’ કેમ કે ક્યારે આંખોથી આંખો મળી અને હૃદય પોતાનું મટીને કોઈનું થઈ ગયું, ખબર નથી… હવે એને સાચવવાનું છે, સંતાડવાનું છે. કોઈની નજર ન લાગી જાય! તનમનમાં જે ઉમંગના ફુવારા ફૂટે છે એને સંતાડવાના છે.. એટલે બધું જ ચોરી ચોરી, ચુપકે ચુપકે…
અને પછી ચૂપકીદી પથરાઇ જાય છે.. કેટલું બોલકું છે આ મૌન! આ શબ્દ વગરની પંક્તિમાં કેટલી સબળ અભિવ્યક્તિ છે!! વાચકને ખળભળાવી મૂકવા એ પૂરતી સક્ષમ છે. કાવ્યમાં પ્રયોજાયેલા શબ્દો કરતાં અનેક ગણી વધારે ચોટ આ શબ્દવિહીન પંક્તિની છે, એ થોડાંક ટપકાં હૃદયના ઊંડા આઘાતને પૂરો ચીતરી આપે છે.
છેલ્લે સાવ સીધી રીતે કહેવાયું છે કે ‘એ સઘળું પાછું દઇ આવી..’ કોઈ ફરિયાદ નહીં. કોઈ આવેશ, આક્રોશની અભિવ્યક્તિ નહીં.. ચુપચાપ જાતને સમેટી લેવાની વાત.. અસ્તિત્વને શૂન્યમાં સમેટી લેવાની વાત. નોંધપાત્ર એ છે કે આ ‘ઘણના ઘા’ જેવી વાતને એવા સામાન્ય બોલચાલના શબ્દોમાં વણી લીધી છે કે જાણે કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે એની વ્યવસ્થા માટે પડોશમાંથી કશુંક લાવીએ ને એના ગયા પછી પાછું આપી આવીએ ! અને આ ‘પાછું આપવાની’ વાત કવિની સાથે ભાવકને પહાડ પરથી ફેંકાવાની પીડા આપે છે !! આ એક ઝાટકે સમજાઇ જાય એવા શબ્દો, સંવેદનશીલ હૃદયને બીજી જ ક્ષણે સ્તબ્ધતાના કાળા ભમ્મર દરિયામાંયે ડૂબાડી દે છે !! અને ત્યાં કાવ્ય પ્રગટ થાય છે. આ સાથે એક ગુલઝારનું કાવ્ય યાદ આવે છે…
तुम गये, सब गया…
कोई अपनी ही मिट्टी तले, दब गया…..
कोई आया था, कुछ देर पहले यहाँ
लेके मिट्टी से लेपा हुआ आसमा
कब्र पर डालकर वो गया, कब गया….
हाथो पैरो में तनहाइया चलती है
मेरी आंखो मे परछाइया चलती है
एक सैलाब था, सारा घर बह गया
फ़िर भी जीने का थोडा सा डर रह गया
जख्म जीने के क्यो दे गया, जब गया….
ખુબ સરસ કાવ્ય નો ઉત્તમ આસ્વાદ ખુબ અભિનંદન