
મેઘના વધામણાં
છવાયું છે બધે પાણી અષાઢી મેઘના દિવસે,
નદી સર્વત્ર ઉભરાણી અષાઢી મેઘના દિવસે.
ચડી આવી ગગન પર વાદળી અણખૂટ આશાની,
અમારી હેલ છલકાણી અષાઢી મેઘના દિવસે.
તળાવો, ઝાડવાં, ઝરણાં અમીનાં છાંટણાં ઝીલે,
કૂણી કળીઓય ભીંજાણી અષાઢી મેઘના દિવસે.
ભીની માટીની ખુશબૂ શ્વાસ મહેકાવી ગઈ સહુના,
રહીને મૌન મલકાણી અષાઢી મેઘના દિવસે.
મયૂરો નાચતા ગાતા ઉતારે આરતી નભની,
કરે છે ગર્વની લ્હાણી અષાઢી મેઘના દિવસે.
~ રાહુલ શ્રીમાળી
આમ તો હવે શ્રાવણ શરૂ થશે પણ આ વખતે ચારેકોર અષાઢની હેલી જ છાઈ છે…. આ રચના ગમશે…

લતા બહેન આપ અને હું ઉત્તરકાશી રામકથા સર્જક યાત્રા માં સાથે હતા. પણ આપણે રૂબરૂ મુલાકાત થઈ નથી. આપ ઘરકામ નોકરી વગેરે વ્યસ્ત જીવન પ્રણાલી માંથી સમય કાઢીને આ પ્રવૃત્તિ કરી રહ્યા છો એ ખરેખર કાબિલે દાદ છે. હું આ સાઈટ શરૂઆત થીજ જોઈ છું. દરેક શેર અને કવિતાઓ સરસ અને આહ્લાદક હોય છે. આ કામ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
આભાર રાહુલભાઈ.
બીજું કે આજ ની આ પોસ્ટ માં પ્રથમ જે વરસાદ ની ગઝલ છે એ મારી છે અને બીજી ગઝલ છે એ મારી નથી. એ મારા નામેરી કવિ રાહુલ શ્રીમાળી જે અમદાવાદ માં રહે છે એ યુવા કવિની છે જે આપને માલૂમ થાય.
સુધારી લઉં છું. એમનું પૂરું નામ આપશો ?
‘મેઘના વધામણાં’ રચના સરસ છે. અભિનંદન.