ઉમાશંકર જોશી ~ માઈલોના માઈલો

માઈલોના માઈલો મારી અંદર

માઇલોના માઇલો મારી અંદર પસાર થાય છે.
દોડતી ગાડીમાં હું સ્થિર, અચલ.
પેલા દૂર ડુંગર સરી જાય અંદર,
-ડૂબી જાય, મજ્જારસમાં, સરિતાઓ નસોમાં
શોણિતના વહેણમાં વહેવા માંડે, સરોવરો
પહોળી આંખોની પાછળ આખાં ને આખાં
ડબક ડબક્યાં કરે. લહેરાતાં
ખેતરોનો કંપ અંગેઅંગે ફરકી રહે.
જાણે હથેલીમાં રમે પેલાં ઘરો,
ઝૂંપડીઓ, – આંગણાં ઓકળી-લીંપેલાં,
છાપરે ચઢતો વેલો… ત્યાં પાસે કન્યાના ઝભલા પર
વેલબુટ્ટો થઇ બેઢેલું પતંગિયું…
સ્મૃતિને તાંતણે એટલુંક ટીંગાઇ રહે.
માઇલોના માઇલો મારી આરપાર પસાર થયાં કરે.
વિશ્વોનાં વિશ્વો મારી આરપાર પસાર થાય છે.

ઘૂમતી પૃથ્વી ઉપર હું માટીની શૃંખલાથી બદ્ધ.
એકમેકની આસપાસ ચકરાતા ક્વાસાર, નિહારિકાઓ,
આકાશગંગાઓ, નક્ષત્રોનાં ધણ, -ચાલ્યાં આવે.
હરણ્ય મારી ભીતર કૂદી. પૂંઠે વ્યાધ, લાંબોક વીંછુડો…
અવકાશ બધો પીધાં કરું, તરસ્યો હું. ઝંઝાના તાંડવ,
ઘુર્રાતાં વાદળ, વીંઝાતી વિદ્યુત, ઉનાળુ લૂ,
વસંતલ પરિમલ – અંદર રહ્યું કોઇ એ બધુંય ગટગટાવે.
અનંતની કરુણાનો અશ્રુકણ? – કોઇ ખરતો તારો;
ધરતીની દ્યુતિ-અભીપ્સા? – કોઇક ઝબૂકતો આગિયો; –
સ્મૃતિના સંપુટમાં આટલીક આશા સચવાઇ રહે.
વિશ્વોનાં વિશ્વો મારી આરપાર પસાર થયાં કરે.

~ ઉમાશંકર જોશી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *