
બોધગયામાં બુદ્ધની મુદ્રા જોઈને…
શાંત મુખ તેજસ્વી મુદ્રા સૌમ્ય સ્વર ક્યાં? બુદ્ધ ક્યાં છું? ક્ષુબ્ધ છું હું
હે તપસ્વી, સત્યની સમજણ અધૂરી ; બુદ્ધ ક્યાં છું? મુગ્ધ છું હું
આપદા સંસારની પણ તે છતાં રમમાણ રહીએ આજીવન અહીં
છોડવાની વાત છોડો, ભેગું કરીએ, બુદ્ધ ક્યાં છું? લુબ્ધ છું હું
અમને તો પ્રશ્નો જ પ્રશ્નો, તપ તિતિક્ષા લેશ પણ ના, રે અશક્તો !
જાત સાથે માર ખાઈ લાલ રહીએ, બુદ્ધ ક્યાં છું? દગ્ધ છું હું
કૂતરાને હાડકું ચૂસવાની આવે છે મઝા,લોહી તો ખુદનું
આપણે આનંદ લઈએ કોરડાંનો, બુદ્ધ ક્યાં છું? અન્ધ છું હું
જીવવાનું આ સદીમાં યંત્ર સાથે યંત્ર થઈને યંત્રણામાં
યાત્રા નામે બહાર ફરીએ, શૂન્ય ભીતર, બુદ્ધ ક્યાં છું? બદ્ધ છું હું
પૂતળી થૈ જીવવાનું, સ્હેજ પણ ના બોલવાનું આપણે તો
સમસમીને શબ્દ વીંઝું છું નિરર્થક,બુદ્ધ ક્યાં છું? ક્રુદ્ધ છું હું
~ સંધ્યા ભટ્ટ
સંધ્યાબહેને શીર્ષક જ સરસ અને સ્પષ્ટ આપી દીધું છે. બુદ્ધની મુદ્રા જોઈને જે ચિંતન જાગ્યું એ કાવ્યાકારમાં મૂકી આપ્યું છે.
આવી જ કોઈ પળો હશે ને જાગૃતિની ?
જન્મદિવસના વધામણાં સંધ્યાબહેન
સંધ્યા બહેનને જ. દિ. ની શુભેચ્છાઓ. કાવ્ય આપણને ચિંતન કરવા પ્રેરે છે. કાવ્યમાં આવતા અનુપ્રાસ સારા પ્રયોજ્યા છે.
ખૂબ જ સુંદર ગઝલમાં માર્મિક સંવેદનો ઝીલાયા છે. અબોટ કાફિયા, વાહ.
ખૂબ આભાર,મીનળબહેન…
કવિતાનો આનંદ છે,લતાબહેન…
અને એ મારો પણ આનંદ સંધ્યાબેન
Waah… લતાબેન અને સંધ્યાબેન બંન્ને ને અઢળક શુભેચ્છાઓ