
તારો પ્રેમ
એક એવો વરસાદ,
જે સંભાવના શૂન્ય
વૈશાખના ધોમધખતા
તાપમાં પણ
વરસે છે મુશળધાર…
તો ક્યારેક
ગરજતાં વાદળો
અને
ચમકતી વીજળીને
પણ ઠગી જાય છે…
અને ફરી
હું કોરી જ રહી જાઉં છું!
~ મોના નાયક ‘ઊર્મિ’
આ કન્ફેશનલ પોએટ્રી છે. પ્રેમની અસીમ તરસનું આ અછાંદસ કાવ્ય છે જેમાં પ્યાસથી તડપતું ને વલવલતું હૃદય પ્રેમીને ઝંખે છે… પ્રેમી એવો છે કે જે કલ્પનાયે ન હોય ત્યારે ધોધમાર વરસી પડે ને ચાતકની જેમ રાહ જોઇને નાયિકા બેઠી હોય અને બસ બેઠી જ રહે…. ઠગાઇ જવાની અનુભૂતિ થઇ આવે એટલી હદે !! પ્રેમીના મનમાન્યા વર્તાવ સામે અહીં ચોક્કસ ફરિયાદ છે…
આ કાવ્યમાં શરૂઆતમાં વાતને વળ ચડાવવાની કોશિશ છે પણ એ તરત ખૂલી જાય છે, સરકતા રેશમની જેમ… કેમ કે જે કહેવું છે એની પ્રબળતા એટલી તીવ્ર છે કે નાયિકા મુદ્દાની વાત, કોરા રહેવાની વાત તરફ જાણે દોડી જાય છે. એટલે જ આ કાવ્યને ઉઘાડવાની જરૂર નથી, ખુલ્લું જ છે, ઉઘાડા આકાશની છત નીચે પાંખ પસારીને ઉડતા પક્ષી જેવું… સરળતાનો સ્પર્શ લઇને આવેલું નર્યું નિવેદન, કાવ્યને અનુભુતિજન્ય બનાવે છે અને અનુભૂતિની તીવ્રતા એને કાવ્યાત્મકતા બક્ષે છે…..
દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 51 > 4 સપ્ટેમ્બર 2012 (ટૂંકાવીને)
અતૃપ્ત પ્રેમની સરસ અભિવ્યક્તિ
Thank you so much, Lata aunty 🙏
Excellent ras-aaswad ❤️🥰
આનંદ મોનાજી
લતાબેન… નાનકડું અછાંદસ પણ વિવેચકની ધારદાર કલમ…પણ કાવ્ય નાયિકા અંતે તો વિષાદમાં સરકી પડે છે…
ગાગરમાં સાગર જેવું નાનકડું કાવ્ય ઊંચી ઉડાન તરફ લઈ જાય છે…
આભાર સુરેશભાઈ.