લતા હિરાણી ~ સમય * Lata Hirani

સમય
ખડો,
રાહ જુએ એકટક
સવાલોની થેલી ઝાલી……
ઉત્તરો ઊંઘે નિરાંતે !
સૂર્યની પીઠ પાછળથી
તડકાના ટુકડાઓ ચોરી
સમય થેલીમાં ભર્યા કરે….
અકળાયેલું આકાશ પણ
લટકી રહે
ઉદાસીન ઉત્તરો પર….
ટહુકાઓ ડાળી પર ટોળે વળે
પણ આખરે
ચાવી જાય મૌનનું રણ
સમયનો સમય નથી ?
કદાચ એની ભાષા ખોવાઈ ગઈ છે…
સમય બુઠ્ઠો બોબડો બની ગયો છે ?
એને ખબર જ નથી કે
સેતુ રચાશે કે નહીં ?
સવાલોથી સંવાદો સુધી !! …..
~ લતા હિરાણી (25-4-2018)
પ્રકાશિત > કવિતા > જાન્યુ.ફેબ્રુ. 2019
“સમયનો સમય નથી ?” વાહ, અદ્ભૂત અછાંદસ.
વાહહહહ…
વાહ ખુબ સરસ રચના ખુબ ગમી અભિનંદન
આભાર મેવાડાજી, શ્વેતાજી અને છબીલભાઈ