
દરમિયાનમાં
ઘોળ્યું જો તત્ત્વ અમે દરમિયાનમાં
ના આરતીમાં ભેદ રહ્યો ના અજાનમાં
વાસો છે એક માત્ર પરમ તત્ત્વનો બધે
સૂફીની બારગાહ કે સંતોના ધ્યાનમાં
એકત્વ કેરી ભાવના વિકસાવી જ્યારથી
વેદોમાં જે વરસ્યું એ જોયું કુરાનમાં.
માને જે ભિન્ન ૐને અલ્લાહનું સ્વરૂપ
ખામી છે એની દૃષ્ટિમાં, નીતિમાં, જ્ઞાનમાં.
આરંભ સૌનો ધૂળ છે ને ધૂળ અંત પણ
મૂરખ છે એ ગણે છે નિજને મહાનમાં.
ઝાંખી છે એની સામે કુબેરોની સાહ્યબી
આપ્યું છે પ્રેમતત્ત્વ જે દાતાએ દાનમાં.
સંબંધ બેઉ વચ્ચે મુસાફિર છે કંઈ જરૂર
જોયો છે એક રંગ મેં કાબા ને કહાનમાં.
~ મુસાફિર પાલનપુરી
કવિને જન્મદિવસના વંદન

એકત્વ ઈશ્વરી તત્વને સમજનાર કદી ધર્મના વાડાને માને નહીં. ખૂબ જ સરસ ગઝલના બધાજ શૅરમાં આ સંબંધ વણી લીધો છે.