KS સૂચિતા કપૂર ~ અવહેલના

એણે ચપ્પલ ઉતાર્યા
સાથે જ ઉતારી
તાળીઓના ગડગડાટની ગુંજ
ડાઇનિંગ ટેબલ ઉપર મૂકી ટ્રોફી
ત્રણ દિવસથી એ
ત્યાં જ પડી છે
વણ સ્પર્શી
કવયિત્રી શબ્દ પર સહેજ ધૂળ ચઢી છે
એના સન્માનની જેમ.
ટ્રોફી નહીં
ટ્રોફીની અવહેલના તેને લખાવે છે.
તે ધૂળ સાફ કરવા
કપડું નહિ
કાગળ લે છે.
અને
એક બીજી ટ્રોફી
કાગળ પર……

~ સૂચિતા કપૂર

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ કૉલમ 440 > 13.6.23

અવહેલના ~ લતા હિરાણી

લેખનની પ્રેરણા શું ? લેખનની પાછળ કયું બળ કામ કરે છે ? એક જ શબ્દમાં જવાબ આપવો હોય તો કહી શકાય ‘પીડા’. સુખની અનુભૂતિ લેખનનું બળ બનતી હોય એવું બહુ ઓછું બને. બાકી પીડા સર્જનની જન્મદાત્રી છે. ક્રૌંચવધ જ રામાયણ જેવા મહાકાવ્યના સર્જનનું નિમિત્ત બન્યું. કલાપી લખે છે, ‘પડ્યા જખમ સૌ સહ્યા, સહીશ હું હજુયે બહુ…’ સારા કવિ થવા મથતા નવોદિતને પૂછી શકાય, ‘ક્યાં છે તમારા જખમો?’

અહીં એક સરસ વાત કૈંક એ જ અર્થમાં કાવ્યમાં ઊતરી છે. નાયિકાના સર્જનને બહારની દુનિયા પોંખે છે, સન્માન આપે છે. સ્વાભાવિક જ સન્માન સૌને વહાલું લાગે. પોતાના કામનો જાહેરમાં સ્વીકાર – અભિવાદન થાય એ કોને ન ગમે? પરંતુ એના પોતાના ઘરમાં પરિસ્થિતી કૈંક જુદી છે. ઘરમાં કોઈને એના આ સ્થાનની પડી નથી. કદાચ તત્કાળ બે શબ્દો કહેવાય પણ એ ફોર્માલિટીથી વધુ નથી. કવિએ આ સ્થિતિને આબાદ વર્ણવી છે. મનમાં ભરેલી તાળીઓની ગૂંજ એણે ચપ્પલની સાથે ઉતારી. કેમ કે એને ખબર જ છે, અંદરની પરિસ્થિતિની. પેક ટ્રોફી ડાઈનિંગ ટેબલ પર મૂકાય છે, અંદર એટલી આશા છે કે કોઈ ખોલીને જોશે તો ખરું ને!

પરિણામ એ જ છે જે તેણે સતત અનુભવ્યું છે. ત્રણ દિવસ ધૂળ ચડ્યા પછી ખોલ્યા વગરની પેક ટ્રોફી કોઈ અંદર રૂમમાં મૂકી જાય છે, મૂકવા આવનારની આંખમાં તીર જેવો સવાલ પણ છે કે આને તમે કેમ ઠેકાણે નથી મૂકતા? ત્યારે રહીસહી ખુશી પણ ખતમ થઈ જાય છે. અને નાયિકા હાથમાં કલમ લે છે. વિડંબના એ છે કે લોકો એમ માનતા હોય કે ટ્રોફી પ્રેરણા આપે છે જ્યારે નાયિકાને પ્રેરણા આપનારી તો છે, ટ્રોફી પર ચડેલી ધૂળ ! અને આ ધૂળ સાફ કરવા તે કપડું નહીં કાગળ લે છે, જેમાં શબ્દો બને છે વાહક…. પીડાનું શ્લોકમાં રૂપાંતર આમ થાય છે મિત્રો…. આ બંને વાત આ નાનકડા શબ્દખંડને સંપૂર્ણ કાવ્યત્વ બક્ષે છે. 

6 thoughts on “KS સૂચિતા કપૂર ~ અવહેલના”

  1. સ્ત્રીની શક્તિની થતી અવહેલનાની વ્યક્ત થતી કરૂણતા..

  2. 'સાજ' મેવાડા

    ખરી વાત છે, પીડા, વેદના વગર કાવ્ય સ્ફુરતું નથી. આખી દુનિયા જ્યારે ‘વાહ’ પુકારતી હોય ત્યારે કોઈ અંગત એની નોંધ પણ ના લે, એની પીડા સૌથી વધારે હોય છે. થોડામાં ઘણું કહ્યું આ કાવ્યમાં.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *