ભાનુપ્રસાદ પંડ્યા ~ તમને લાગી ઠેસ

તમને લાગી ઠેસ, અમોને ફૂલ અડ્યાનો કંપ!
વાટ વચાળે બેઠાં પલ બે, થયો નજરનો સંપ!

થયો નજરનો સંપ અને આ વાટ ધસી થઈ ઝરણું!
અમે મટ્યા પથ્થર ને તરવા લાગ્યા થઈને તરણું!

હતા અમે મુકામ ભારનો એય જવાયું ભૂલી!
ભીંતે હોત ચણાયા ને અહી રહ્યાં લહરમાં ઝૂલી!

રહ્યાં લહરમાં ઝૂલી અમને સપને આવ્યા સિન્ધુ!
જોયું તો ના નીર અહીં સથવારે નભ ને ઈન્દુ!

અમને લાગી ઠેસ અમે ના મળશું કોઈ મુકામે!
કોઈ લખો કાગળ તો લખજો ‘વહી ગયાં’ ને સરનામે!

~ ભાનુપ્રસાદ પંડ્યા

કવિના જન્મદિને સ્મૃતિવંદના

6 thoughts on “ભાનુપ્રસાદ પંડ્યા ~ તમને લાગી ઠેસ”

  1. લય-ઢાળવાળી મજાની રચના. કવિને વંદન.

  2. સુધા ઝવેરી

    શ્રી ભાનુપ્રસાદ પંડ્યા મારા પ્રિય કવિ. જોકે મેં એમના બહુ કાવ્યો વાંચ્યા નથી પણ જે વાંચ્યું એ એટલું ગમ્યું છે કે એમના કાવ્યો, કહો કે ગીતો, તરત જ કંઠસ્થ – હ્રદયસ્થ થઈ જાય! એમનું ‘ કેકેન્ડરથી લીલમલીલા ખર્યા દિવસ ક્યાં શોધું? હવે થાય કે બધી ઋતુને પતઝડ કહી સંબોધુ!’ મને અતિશય પ્રિય છે. આજની આ રચના પણ એટલી જ સુંદર! .. .કોઈ લખો તો કાગળ લખજો ‘વહી ગયાંના’ સરનામે!…અદભૂત!!.. વંદન કવિવર!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *