મધુકર રાંદેરિયા ~ લાગે છે
લાગે છે અવાચક થૈ ગઈ છે કલબલતી કાબર બહાર બધે,
ન્હૈ તો અહીં એકીસાથે આ શાયરના અવાજો શા માટે?
આકાશી વાદળને નામે આ વાત તમોને કહી દઉં છું,
કાં વરસી લો, કાં વિખરાઓ આ અમથાં ગાજો શા માટે?
મારો તો ઇરાદો છે ખાલી કવિતામાં કામણ પૂરવાનો,
ત્યાં રૂપની આડે ઘૂંઘટના બેઢંગ રિવાજો શા માટે?
આ જલતી શમાને ઠારો ના આ પરવાનાને વારો ના,
એ પ્રેમની પાગલ દુનિયામાં વહેવારુ ઈલાજો શા માટે?
કોઈ કહેશો કે મયખાનાની શી હાલત છે સાચેસાચી,
‘પી’ પી’ કહેનારા બોલે છે આ ‘પાજો‘ પાજો‘ શા માટે?
દફનાઈ જવા દો ગૌરવથી એ જ્યાં જન્મે છે ત્યાં ને ત્યાં,
આંસુ ને નિસાસાની કાંધે મહોબતનો જનાજો શા માટે?
નમન નમનમાં હોય છે કે વધતોઓછો ફેર નકી,
ન્હૈ તો આ નમેલી નજરે અમને આપ નવાજો શા માટે?
આ દિલને તમારે માટે તો બચપણથી અનામત રાખ્યું છે,
આ સ્હેજ ઉમરમાં આવ્યાં કે આ રોજ તકાજો શા માટે?
આ વાત નથી છાનીછપની ચર્ચાઇ છે જાહેરમાં સઘળે,
શરમાળ કુસુમને કહી દો કે – ‘મધુકર‘નો મલાજો શા માટે?
~ મધુકર રાંદેરિયા (3.4.1917)
કવિના જન્મદિને સ્નેહવંદના
કવિ શ્રી ની બન્ને રચના ઓ ખુબ માણવા લાયક જન્મદિવસ ની વધાઈ
પહેલી રચનાનો વિદ્રોહનો અવાજ ધારદાર છે.
બીજી રચના આસ્વાદ્ય બની છે. અભિનંદન.
ખૂબ જ સુંદર ગઝલ, ખૂબ જાણીતી અને માનીતી ગઝલ.