જિજ્ઞા મહેતાની બે રચના * Jigna Maheta  

જૂનાં ઘરનાં ખૂણામાં તો બાઝી ગ્યું છે જાળું,
વિખરાયેલી યાદોનાં ઢગ કેમ કરીને વાળું?

પરબીડિયામાં મૂકી ઈચ્છા હેમખેમ પહોંચાડું
પણ ભીતર જઈ એનાં ફોટા કેમ કરીને પાડું?
સહજ વાતમાં સરકી જાતાં, દ્રશ્યોને ક્યાં ખાળું!

કોઈ હવે ના રહેતું કેવળ કહેવાનાં સરનામાં
વેરણ-છેરણ ઘરને ક્યાંથી મળશે આજ વિસામા
હાલકડોલક ઘરને પાછું મારેલું છે તાળું..

એક ખૂણો મેં અંગત રાખ્યો મારા નવતર ઘરમાં
કેદ કરેલું શૈશવ છુટું મૂક્યું મેં પળભરમાં
એ શૈશવની સઘળી તાજપ હૈયામાં ઓગાળું…  

~ જિજ્ઞા મહેતા

ઘરનું માનવીયકરણ કરીને કવિએ ગીતને જીવંત સ્પર્શ આપ્યો છે. ઓસરતી હામ સાથે શરુ થયેલું ગીત છેલ્લા અંતરામાં ફરી હરખનાં અણસારા આપે છે.

*****

જિજ્ઞાબેન ગઝલમાં ખૂબ સરસ કામ કરે છે. એમની એક ગઝલ પણ માણો.

માની નથી.

એક પણ બાધા અમે માની નથી
એટલે  ઈશ્વર  હજી  રાજી નથી?

ક્યાં ઉતરવાનું કશે નક્કી હતું
મેં પલાંઠી એટલે વાળી નથી

લાલસા જાહેરમાં મૂકી, અને
કોઈએ કીધું નહીં મારી નથી

રોજ ખીલે ફૂલ મારા બાગમાં
ભીતરે તો એક પણ માળી નથી.

આજ સૂર્યોદય જરા મોડો થશે,
કોઈની સમજણ હજી જાગી નથી.

~ જિજ્ઞા મહેતા

19 Responses

  1. Jigna Trivedi says:

    જિજ્ઞાબેન મહેતાના ગીત અને ગઝલ બંને બહુ ગમ્યાં.ખૂબ અભિનંદન.

  2. જશવંત મહેતા says:

    એટલે ઈશ્વર પણ કરાજી નથી.
    ઈશ્વર તો રાજી રાજી હોય જ…..સરસ ગઝલ ,સલામ.
    ગીત પણ સરસ ,યુવાની સુધી ઘર ઘર હોય છે,પછી….
    બસ કંઈ કહી શકવું મુશ્કેલ છે…..

  3. Varij Luhar says:

    બન્ને ગઝલ સરસ છે..

  4. હરીશ ખત્રી says:

    બંને રચના ખૂબ સરસ છે!👍😊

  5. Minal Oza says:

    વિખરાયેલી યાદોં ના ઢગની વાત ગીતને કેટલો સરસ વળાંક આપે છે!!
    ગઝલની અભિવ્યક્તિની સાદગી સાથે વિચારોનું ઊંડાણ દાદ માગી લે છે.અભિનંદન.

  6. બન્ને રચના ઓ ખુબ માણવા લાયક ખુબ ખુબ અભિનંદન

  7. વહીદા ડ્રાઈવર says:

    Nice

  8. જિજ્ઞા મહેતા says:

    ખૂબ ખૂબ આભાર લતાબહેન

  9. Jigna mehta says:

    આપ સર્વેનો ખૂબ ખૂબ ખૂબ આભાર…

  10. Anonymous says:

    Nice

  11. લલિત ત્રિવેદી says:

    વાહ વાહ

  12. ઘર અને બાળપણને એકસાથે મૂકી ને સરસ રચના કરી, બીજી ગઝલ પણ ગમી.

  13. J N Shastri says:

    સુંદર રચના.

  14. Uday says:

    Both gzals are good,I liked the second one more

  15. પ્રફુલ્લ પંડ્યા says:

    સરસ ગીત: જિજ્ઞા મહેતા એક નવું નામ! પણ સરસ ગીત ! ” કાવ્ય વિશ્વ” હમણાં હમણાં નવોદિત પ્રતિભાઓને શોધી શોધીને રજૂ કરી રહ્યું છે તે અભિનંદનીય ઘટના છે.

  16. Nilesh Gandhi says:

    Saras and hriday sparshi rachna

  17. Jigna says:

    Thx..All frd

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: