
આદમી
જીવી રહ્યો છે આજ આ સપનામાં આદમી
દેખાવથી જુદો જ છે, પડદામાં આદમી !
સાંધી શકાય કોઈ દી’ સંભવ નથી હવે,
કેવો વિભક્ત થઈ ગયો ટુકડામાં આદમી !
માણસનો અર્થ શોધવો મુશ્કેલ થઈ ગયો,
વરવો હવે છપાય છે છાપામાં આદમી !
કેવા વળાંક જિંદગી લેશે ખબર નથી,
સૂવે છે લઈ અજંપને પડખામાં આદમી !
જાગી જવાય ઊંઘથી તો રાતભર પછી,
વાતો કરે છે ભીંતથી કમરામાં આદમી !
આવે કશું ન હાથ ફક્ત ઝાંઝવા વિના,
શેની કરે તલાશ આ છાયામાં આદમી ?
શોધે છતાં કશોય કદી માર્ગ ના મળે,
‘આશિત ‘ મૂંઝાય ‘આ’ અને ‘અથવા’માં આદમી !
~ આશિત હૈદરાબાદી (25.3.1937)
મૂળ નામ સુરેન્દ્ર કોટક.
ગઝલસંગ્રહ : ‘આવેગ’
સંપાદન : ‘ગઝલની આસપાસ’

છિન્નભિન્ન અને અનેક ટુકડાઓમાં વહેંચાયેલા,અસ્તિત્વની સાર્થકતા ખોઇ બેઠેલા માણસની કવિતા
આશિત ભાઈની દિવ્ય ચેતનાને વંદન
સ્મૃતિ વંદન કવિ શ્રી આશિત જીને
ગમતાં કવિ ની ગમતી રચના.