જાતુષ જોશી ~ નરો વા કુંજરો વા!

મળે હર પ્રશ્નનો ઉત્તર નરો વા કુંજરો વા;
યુધિષ્ઠિર આજ પણ હાજ૨? નરો વા કુંજરો વા.

ફરી શું યુદ્ધની સંભાવના ચારેતરફ છે?
જરા બસ ફેંકતા કંક૨? નરો વા કુંજરો વા

ક્ષણો જો એકસરખો વેશ વ્હેરી નીકળે છે
અને એ વેશની ભીત૨? નરો વા કુંજરો વા.

યુગોથી એક જણ ખુદનો જ પડછાયો પકડતો,
અડોઅડ ને છતાં અંતર? નરો વા કુંજરો વા.

સડકના સખ્ત ભરડામાં મરે સહુ માણસો લ્યો,
સડક નામે હશે અજગર? નરો વા કુંજરો વા.

~ જાતુષ જોશી

સમય બદલાય છે ? પરિવર્તન થાય છે ? ના. જે બદલાતું દેખાય છે એ બાહરી છે. ભીતરનું એનું એ જ છે. આ વાત સમાજને લાગુ પડે છે. જુઓ ને, રામરાજ્ય આવ્યું હતું ; શાસ્ત્રો તો એ કહે છે. આજે શું પરિસ્થિતી છે ? રાવણો એના એ જ છે. કૃષ્ણ જગતનો ઉદ્ધાર કરવા અવતર્યા. અંતે યાદવોના સૂરાપાને શું પરિણામ આપ્યું ? પારધી ત્યારે હતો અને અત્યારે પણ છે જ. માણસ કદી બદલાવાનો નથી. સૂર-અસૂર, દેવ-દાનવ હંમેશા હતા અને રહેવાના. યુધિષ્ઠિરથી માંડીને સડક પર આથડતા માનવ સુધી… સમય એનો એ જ છે…..

જાતુષ જોશીની એક ગંભીર ગઝલ અગાઉ આપણે માણી ‘અથાતો બ્રહ્મજિજ્ઞાસા’ જેવા ખૂબ અઘરા રદીફને લઈને. તો આ ગઝલ ‘નરો વા કુંજરો વા’ જેવો અત્યંત કઠિન અને અનન્ય રદીફ લઈને આવે છે. પૂજ્ય મોરારીબાપુના શબ્દોમાં ‘કશુંક ભાળી ગયેલો’ કવિ મને જાતુષ જોશી લાગે !     

*****

જાતુષ જોશી ~ ભલે આકાશ છલકાતું

ભલે આકાશ છલકાતું, અથાતો બ્રહ્મજિજ્ઞાસા,
પળેપળ આજ મન થાતું, અથાતો બ્રહ્મજિજ્ઞાસા.

અટારી સપ્તરંગી આભમાં ઝળહળ ઝળહળ ઝળકે,
સતત ત્યાં કોણ ડોકાતું ? અથાતો બ્રહ્મજિજ્ઞાસા.

બધી રજકણ ચરણરજ છે, પવન પણ પત્ર કેવળ છે,
કિરણ થઈ કોણ ફેલાતું ? અથાતો બ્રહ્મજિજ્ઞાસા.

અચાનક એક પીંછું પાંપણે અડકી ગયું રાતે,
વિહગ શું ત્યાં જ સંતાતું? અથાતો બ્રહ્મજિજ્ઞાસા.

નિશા કાયમ ગગનના કુંભમાં નકરું તમસ રેડે,
તમસ ટપકીને ક્યાં જાતું ? અથાતો બ્રહ્મજિજ્ઞાસા.

~ જાતુષ જોશી

મહર્ષિ વેદ વ્યાસ ‘બ્રહ્મસૂત્ર’ના આરંભમાં કહે છે, ‘અથાતો બ્રહ્મજિજ્ઞાસા’ અહીંથી બ્રહ્મવિષયક વિચારણાનો પ્રારંભ થાય છે. ગઝલમાં ‘બ્રહ્મજિજ્ઞાસા’ પરોવવી એ કોઈ ઊંચા ગજાનો કવિ જ કરી શકે. ઈશ્ક મહોબ્બતની કવિતાઓ રચવાની વયના યુવાન કવિ જાતુષ જોશીની સર્જકચેતનાને સલામ કે જેમની ગઝલમાં સતત જાત ભણીની જાત્રા ઝળકે છે.  

6 thoughts on “જાતુષ જોશી ~ નરો વા કુંજરો વા!”

  1. Kirtichandra Shah

    પૂજ્ય શ્રી મોરારીબાપુ ના શબ્દો આ કશુક ગયેલો Bhadi gayalo jan છે That is very appropriate છે

  2. ઉમેશ જોષી

    કવિ જાતુષ જોષીની બન્ને ગઝલ રોચક છે..
    અભિનંદન ..

  3. હરીશ દાસાણી.મુંબઈ

    અનુભૂતિના ઊંડા પાણીમાં લઈ જતી ગઝલો. સર્જક અને સંપાદક-બંનેને અભિનંદન. શુભેચ્છાઓ.

  4. ગઝલમાં ખૂબ સાતત્ય પૂર્ણ વિચારો રજૂ કરવા આવી રદિફો લઈ કાવ્ય/ગઝલીયત સીધ્ધ કરીને કવિ શ્રી જાતુષ જોશીએ કમાલ કરી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *