દલપતરામ  ~ ઓ ઈશ્વર

ઓ ઇશ્વર ભજીએ તને ~ દલપતરામ  

ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ,
ગુણ તારા નિત ગાઇએ, થાય અમારાં કામ…

હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ,
ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજો માફ…

પ્રભુ એટલું આપજો, કુટુંબ પોષણ થાય,
ભૂખ્યા કોઇ સૂએ નહીં, સાધુ સંત સમાય…

અતિથિ ઝાંખો નવ પડે, આશ્રિત ના દુભાય,
જે આવે અમ આંગણે, આશિષ દેતો જાય…

સ્વભાવ એવો આપજો, સૌ ઇચ્છે અમ હિત,
શત્રુ ઇચ્છે મિત્રતા, પડોશી ઇચ્છે પ્રીત…

વિચાર, વાણી, વર્તને, સૌનો પામું પ્રેમ,
સગાં, સ્નેહી કે શત્રુનું, ઇચ્છું કુશળક્ષેમ…

આસ પાસ આકાશમાં, હૈયામાં આવાસ,
ઘાસ ચાસની પાસમાં, વિશ્વપતિ નો વાસ…

ભોંયમાં પેસી ભોંયરે, કરીએ છાની વાત,
ઘડીએ માનમાં ઘાટ તે, જાણે જગનો તાત.

ઓ ઇશ્વર તું એક છે, સર્જ્યો તે સંસાર,
પૃથ્વી, પાણી,પર્વતો, તેં કીધા તૈયાર…

તારા સારા શોભતા, સૂરજ ને વળી સોમ,
તે તો સઘળા તેં રચ્યા, જબરું તારું જોમ…

અમને આપ્યાં જ્ઞાન ગુણ, તેનો તું દાતાર,
બોલે પાપી પ્રાણીઓ, એ તારો ઉપકાર…

કાપ કલેશ કંકાસ ને, કાપ પાપ પરિતાપ,
કાપ કુમતિ કરુણા કીજે, કાપ કષ્ટ સુખ આપ…

ઓ ઇશ્વર તમને નમું, માંગુ જોડી હાથ,
આપો સારા ગુણ અને, સુખમાં રાખો સાથ…

મન વાણી ને હાથથી, કરીએ સારાં કામ,
એવી બુધ્ધિ દો અને, પાળો બાળ તમામ…

ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ,
ગુણ તારા નિત ગાઇએ, થાય અમારાં કામ…

~ દલપતરામ

આ પ્રાર્થના સાંભળો અમર ભટ્ટના સ્વરમાં

21.1.22

*****

પ્રફુલ્લ પંડ્યા * 23-01-2022 * ‘કાવ્યવિશ્વ’ કવિશ્વર દલપતરામની સુંદર પ્રાર્થનાની અમરભાઈ દ્વારા ભાવવાહી રજૂઆત ખૂબ ગમી ! લતાબેન રોજ નિતનવી સામગ્રી પીરસે એટલે મજામજા !

છબીલભાઈ ત્રિવેદી * 21-01-2022 * કવિ શ્રી દલપતરામ ની પ્રાર્થના ઓ ઈશ્ર્વર ભજીએ તને…… ઘણા વર્ષો શાળા મા ગવાતી ખુબ સરસ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: