રક્ષા શુકલ ~ અટ્ટણની ઓલિપા * કાવ્યસંગ્રહ

હરિએ મારે આંગણ આવી મોરપિચ્છ વાવ્યા રે
વ્હાલપની ગઠરી સંગાથે તરસ-તળાવો લાવ્યા રે…****  

થાય વિચારો ચોખ્ખા ને ચટ
જાત કરી મેં ગરણાં જેવી. ****

એક સપનું સાવ બોગસ નીકળ્યું
એ પછી આંસુ ય ચોરસ નીકળ્યું

એમના સ્વરમાં જ સાંભળવું હતું
દોસ્ત, એનું ગીત કોરસ નીકળ્યું.****

પાંપણ પડખાં બદલે, કીકી કરવટ લેતી
આંખોના ઓઢણ ના ફાવ્યાં ? ઊંઘ ઊડી ગઈ ?****

વ્હાલની આ વાર્તા છે, ભાઇચારાનું ભજન છે
એકતાનું છે અછાંદસ, પ્રેમની આ પાઠશાળા.****

એક અમથો ટુકડો આકાશનો લીધા પછી
શૂન્યનો સંદર્ભ પકડી વ્યાપવાનું હોય છે.****

~ રક્ષા શુક્લ 

‘અટ્ટણની ઓલિપા’ કવિ રક્ષા શુકલનો નવો કાવ્યસંગ્રહ છે. કવિના શબ્દોમાં આ “એક અગોચર આલમની ખોજ છે….. કલ્પના અને વાસ્તવિકતાના બે કાંઠા વચ્ચે વહેતું આપણું અસ્તિત્વ આપણો પોતાનો દરિયો ઝંખે છે. જેના છાલક-છાંટા ભીતરને પણ ભીંજવ્યા રાખતા હોય છે…..પતંગિયાની પાંખે ઊગી નીકળતું ઉપવન શબ્દોમાં ગોઠવવું સહેલું નથી. ફૂલોના પડછાએ સૂતેલી સુગંધને જગાડવી પડે છે પણ એ લીલીછમ્મ લાગણીઓ મારા થાકોડાને, મારા કળતરને પળવારમાં છૂ કરી દે છે.” પોતાની સર્જનયાત્રા વિશે કવિઓની કંઈક આવી જ ભીની ભીની અનુભૂતિ રહેતી હશે ! કવિતા પદાર્થ હાથમાં સહેલાઇથી આવે એવો નથી જ.

‘આલ્લે લે’ પછીના આ સંગ્રહમાં રક્ષાબહેનની કાવ્યયાત્રામાં જુદા જુદા મનમોહક રંગોની રંગોળી છે. ગીત, ગઝલ, અછાંદસ અને મુક્તકો…. નવા સંગ્રહમાં હવે રક્ષાબહેન પાસેથી સોનેટની આશા પણ રાખી શકાય.

કાવ્યસંગ્રહો 1. આલ્લે લે  2. અટ્ટણની ઓલિપા મોકલવા માટે આભાર. ‘કાવ્યવિશ્વ’માં સદાયે સ્વાગત.

OP 28.3.22

છબીલભાઈ ત્રિવેદી

29-03-2022

રક્ષા શુક્લ નુ કાવ્ય ખુબજ ઉમદા ખુબ હ્રદય ના ભાવ થી લખાયેલા બધાજ શેર ખુબ ગમ્યા વંદન રક્ષાબેન

સાજ મેવાડા

28-03-2022

વાહ, નવાજ ભાવ સંવેદનો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *