અંકિત ત્રિવેદી ~ મણકો છું 

મણકો છું 

મણકો છું, પણ હું માળાની બ્હાર ઊભો છું,
સાચ્ચું કહું તો સરવાળાની બ્હાર ઊભો છું.

રંગ ઉછીના સાંજ કનેથી લઈને જીવ્યો,
અંધારાની, અજવાળાની બ્હાર ઊભો છું.

ડાળી ઉપર ફૂલ ખીલ્યાનો અર્થ એટલો,
પાનખરોના વચગાળાની બ્હાર ઊભો છું.

બે પંખીના સૂના ઘરનો કોલાહલ છું,
ટહુકો ક્યાં છે, ક્યાં માળાની બ્હાર ઊભો છું!

ભીડ વચોવચ સૌની સાથે હળીમળીને,
ઊભો છું પણ કૂંડાળાની બ્હાર ઊભો છું.

અંકિત ત્રિવેદી

કવિ અંકિત ત્રિવેદીને 2011નો યુવા ગૌરવ પુરસ્કાર 12મી એપ્રિલ 2012ના દિવસે અર્પણ થયો…. અને આજે 12મી એપ્રિલ 2022 !

બહાર ઊભા રહેવાની વાત કવિનો મિજાજ પ્રગટ કરે છે. અને કુંડાળાની બહાર ઊભા રહેતાં શીખી જવાય તો કેટલા કોલાહલો શમી જાય !

OP 12.4.22

આભાર

17-04-2022

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ છબીલભાઈ, મેવાડાજી અને સૌ મિત્રોનો આભાર

છબીલભાઈ ત્રિવેદી

15-04-2022

અંકિત ત્રિવેદીની રચના ખૂબ સરસ. યુવા કવિઓની રચના માણવાલાયક હોય છે. આભાર.

સાજ મેવાડા

14-04-2022

ખૂબ સરસ ગઝલ, મજા. કુંડાળું એટલે વાડાબંધી. કોઈ વિરલા જ એમાંથી બહાર નીકળી શકે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *