સુધી ગયા
તમને વિદાય આપવા રસ્તા સુધી ગયા;
બસ એટલી વાતે અમે અફવા સુધી ગયા.
અમને તો એકસામટું તૂટી જવું હતું,
એથી તો જાણીજોઈને ઝંઝા સુધી ગયા.
તોપણ અમે ભીનાશને સૂકવી શક્યા નહીં,
યાદોને લઈ બપોરના તડકા સુધી ગયા.
ખેડી વળ્યા એ રીતે આખું જગત અમે,
દુનિયાને જોવાજાણવા નકશા સુધી ગયા.
‘બાલુ’, લ્યો, એટલી તો સફળતા મળી ગઈ,
આગળ વધીને કોઈના સમણા સુધી ગયા.
~ બાલુભાઈ પટેલ (25.9.1937 – 8.12.1992)
કાવ્યસંગ્રહો ‘છાલક’, ‘કૂંપળ’, ‘સ્વપ્નોત્સવ’, ‘મૌસમ’, ‘ઝાકળ’
કવિને જન્મદિને સ્મૃતિવંદના
