વિનોદ જોશી ~ કાવ્યસંગીત નહીં, સંગીતકાવ્ય

સુગમસંગીત કે કાવ્યસંગીત નહીં, પણ સંગીતકાવ્ય.

ગીતકાવ્ય અને ગવાતાં ગીત સંબંધે મારી મુખ્ય સ્થાપના એ છે કે ગીતકાવ્યનું માધ્યમ ભાષા છે જ્યારે ગવાતાં ગીતનું માધ્યમ સ્વર છે. બંને કલા અલગ છે. એક કવિતાની અને બીજી સંગીતની. એટલું તો સ્પષ્ટ છે કે ગીતકાવ્ય ભાષાના આશ્રયે જ પ્રગટે, જ્યારે સંગીત માટે ભાષા અનિવાર્ય નથી. સંગીત માટે સ્વર અનિવાર્ય છે. ભાષા સંગીત માટે આગંતુક છે. સંગીત મૂળમાં તો અશબ્દ જ છે. સંગીતનો જન્મ ભાષા પૂર્વે થયેલો છે. તેથી ગવાતું ગીતકાવ્ય સંગીતના આશ્રયે પ્રગટતું કાવ્ય છે. તેથી, ગવાતું ગીતકાવ્ય સંગીતકાવ્ય છે તેમ કહેવું તર્કપૂત છે. તે સુગમસંગીત કે કાવ્યસંગીત નથી. સુગમસંગીત એવા નામથી પ્રસ્તુત થતી રચનાઓ મોટેભાગે દુર્ગમ હોય છે. તેમાં અનેક પ્રકારનાં રાગરાગિણી અને ગાયકીની હરકતોથી શબ્દને ઘૂંટવામાં આવે છે. ત્યાં શબ્દ ગૌણ બની જાય છે અને ગાયકી મુખ્ય થઈ જાય છે. તેથી સુગમસંગીત એવું નામાભિધાન સાર્થક રહેતું નથી. તે જ રીતે કાવ્યસંગીત કહીએ ત્યારે કાવ્યના શબ્દમાં રહેલું સંગીત તેવો અર્થ થાય છે. તેમાં બહારથી દાખલ થતાં સંગીતની કોઈ ભૂમિકા નથી. એટલે ગવાતાં ગીતકાવ્ય માટે કાવ્યસંગીત એવો શબ્દપ્રયોગ અનુચિત છે. શાસ્ત્રીય રીતે કહીએ તો ગવાતું ગીતકાવ્ય તે સુગમસંગીત કે કાવ્યસંગીત નહીં પણ સંગીતકાવ્ય છે.

હવે વાત કરીએ કાવ્યસંગીત કોને કહેવાય તેને વિશે. કાવ્યસંગીત એટલે કાવ્યમાં રહેલું સંગીત. કાવ્ય ભાષામાં લખાય છે એટલે એમ કહીએ કે કાવ્યમાં પ્રયોજાતી ભાષામાં રહેલું સંગીત. આપણે એ જોયું કે સંગીતનું માધ્યમ સ્વર છે. તો, અહીં એમ સમજવાનું છે કે આ વાત ભાષામાં પ્રયોજાતા શબ્દોના ઉચ્ચરિત સ્વરોમાં રહેલાં સંગીત વિશે થઈ રહી છે. ભાષા મૂળમાં તો વાચિક છે. તે વાચાનો કે વાણીનો વિષય છે. તેથી અહીં થશે તે વાત ઉચ્ચરિત શબ્દોના સ્વરોના સંગીત વિશે થશે તે હવે સ્પષ્ટ છે.

સાવ સાદી રીતે પહેલાં થોડું સમજી લઈએ. ઉચ્ચરિત ભાષા ધ્વનિ, પદ, વાક્ય અને અર્થ જેવા ચાર મહત્ત્વના સ્તંભના ટેકે ઊભેલી હોય છે. ધ્વનિ વિના ભાષાનું ઉચ્ચારણ શક્ય નથી. ધ્વનિ સ્વર અને વ્યંજન જેવા બે ભાગમાં વહેંચાયેલા હોય છે. એ કહેવાની જરૂર ભાગ્યે જ હોય કે સ્વરનું ઉચ્ચારણ સ્વત: થાય છે જ્યારે વ્યંજનનું ઉચ્ચારણ સ્વરની મદદથી થાય છે. `અ’ નું ઉચ્ચારણ સ્વત: થાય છે જ્યારે `ક’ના ઉચ્ચારણ માટે `અ’ નામના સ્વરની આવશ્યકતા ઊભી થાય છે. આપણે બોલીએ છીએ ત્યારે અનિવાર્યપણે સ્વરોનો ઉપયોગ કરીએ છીએ. આ સ્વરો હ્રસ્વ પણ હોય અને દીર્ઘ પણ હોય. હ્રસ્વ સ્વરોના ઉચ્ચારણ વખતે ઓછો સમય લાગે છે અને દીર્ઘ સ્વરોના ઉચ્ચારણ વખતે તેનાથી વધુ સમય લાગે છે. સ્વરોના ટેકે ઉચ્ચારાતા વ્યંજનો માટે પણ આ વાત એટલી જ લાગુ પડે છે. સમયના આ ઓછાવત્તા પરિમાણને ધ્યાને લઈ લઘુ અને ગુરુ તેવી સંજ્ઞાઓ કાવ્યના શબ્દને સમજવા માટે પ્રયોજાતી હોય છે. ગીતકાવ્યમાં પ્રયોજાયેલા શબ્દના સંગીતની વાત કરતી વખતે પણ આપણે તેને જ ઉપયોગમાં લેવી પડશે. સરળ રીતે આટલું સમજી લીધા પછી હવે ગીતકાવ્યમાં પ્રયોજાતા શબ્દનું સ્વરૂપ સમજવા પ્રયાસ કરીએ.

કાવ્યમાં પ્રયોજાતો શબ્દ મુખ્યત્વે લય અને છંદના માળખામાં ગોઠવાતો શબ્દ છે. પણ અહીં એક કાવ્યસ્વરૂપ એવા ગીતકાવ્ય અંગે વાત થઈ રહી છે. અહીં સંગીતના નહીં પણ કાવ્યના લયની વાત થઈ રહી છે તે ધ્યાને રાખવાનું છે. કાવ્યમાં સ્વૈર એવો લય તાલથી નિયંત્રિત થાય છે. સંગીતમાં લયને જ તાલ કહેવાની આપણે ત્યાં રૂઢ પરિપાટી છે. પણ વસ્તુત: બંને અલગ છે. અંગ્રેજીમાં લય માટે રિધમ અને તાલ માટે બિટ્સ તેવા શબ્દપ્રયોગો છે તે અહીં યાદ કરી શકાય. આપણે વાત કરી રહ્યાં છીએ ગીતકાવ્ય વિશે. ફરીથી યાદ કરી લઈએ કે ગીતકાવ્યનું માધ્યમ ભાષા છે. સંગીતમાં હોય છે તે સ્વર તેનું માધ્યમ નથી. તેથી અહીં હવે જે વાત થશે તે ગીતકાવ્યમાં પ્રયોજાયેલી ભાષામાંથી પ્રગટતા સંગીત વિશે થશે. આ સંગીત શબ્દનું સંગીત છે. અર્થાત્ શબ્દના ઉચ્ચારણનું અને શબ્દોના સંયોજનનું છે. તેને આલાપ કે રાગ જેવી કોઈ સાંગીતિક પીઠિકા નથી.

એ પણ સમજી લઈએ કે ગીતકાવ્ય પઠન માટે છે. કાવ્યનું પઠન સંગીતથી જુદી માવજત માગે છે. કારણ કે તેમાં ભાષાની અભિવ્યક્તિ કરવાની હોય છે, સ્વરની નહીં. કાવ્યપઠનને સંગીતનું શાસ્ત્ર નડતું નથી. કારણ કે તે સંગીતનો વિષય જ નથી. તેમ છતાં કાવ્યના પઠનમાં લયાત્મકતા તો હોય છે. તેમાં બોલચાલની રોજિંદી ભાષાથી અલગ તેવું કશુંક વિલક્ષણ હોય છે, જે કાવ્યની અભિવ્યક્તિને જુદી પાડે છે. આ જુદાપણું આપણી શ્રુતિને આહ્લાદક લાગે છે. કવિતા કાનની કળા છે તેવું જે કહેવાયું છે તે આ અર્થમાં છે. આ આખી વાત સમજવા માટે હજી થોડું વધુ વિચારીએ.

આપણા કાને જે શબ્દો પડે છે તે મૂળમાં તો ધ્વનિ છે. પરંતુ શબ્દને અર્થ વળગેલો છે. આપણો શબ્દો સાથેનો સંબંધ એટલો ઘનિષ્ઠ હોય છે કે આપણને જે સંભળાય છે તે ધ્વનિ છે તે સમજીએ તે પહેલાં તો આપણે તેના અર્થ સુધી પહોંચી ગયાં હોઈએ છીએ. મોટેભાગે તો આપણો ભાષા સાથેનો મામલો શબ્દો બોલાય, શબ્દો સંભળાય અને શબ્દો સમજાય એટલો જ હોય છે. પણ બોલાતી ભાષાના ધ્વનિ આપણા કાને પડે છે ત્યારે તે શ્રુતિનાં વિશેષ પરિમાણો રચે છે. ઉદ્દંડ રીતે બોલાયેલા અને માનવાચક રીતે બોલાયેલા શબ્દોની પસંદગીમાં તો તફાવત હોય જ પણ તેના ઉચ્ચારણની ઢબમાં પણ તફાવત હશે. આપણા બોલાતા શબ્દો આપણી અંદર રહેલા નૈસર્ગિક ભાવથી પ્રભાવિત થશે. અભિવ્યક્ત થતી ભાષાનું સ્વરૂપ બાંધવામાં આ ભાવનો બહુ મોટો ફાળો હોય છે. તેની સીધી અસર શબ્દોનાં રૂપો પર થાય છે. `મા’ અને `માવલડી’નો અર્થ એક જ થતો હોવા છતાં તેના અલગ શબ્દરૂપોની ભાવાત્મક અસર અલગ અલગ છે. `વીજળી’ અને `વીજલડી’ જેવા  શબ્દોને પણ આ રીતે વિચારી શકાશે. એક જ અર્થ આપતા બંને શબ્દોનો ભાવાત્મક ભેદ અહીં આપણને તરત સમજાય છે. ગીતકાવ્ય ઊર્મિકાવ્યનું સ્વરૂપ હોઈ તેમાં પ્રયોજાતા શબ્દો જેટલા ભાવાત્મક હશે તેટલી તેની પ્રભાવકતા વધુ હશે. ગીતકાવ્યમાં પ્રયોજાતા શબ્દોની પસંદગી પરત્વે કવિએ કઈ ચીવટ રાખવી જોઈએ તે આટલી વાત પરથી તરત જ સમજાઈ જશે.

શબ્દને પણ પોતાનો સ્વભાવ હોય છે. તે સંભળાય તેની સાથે જ તે પરત્વે આપણું ચિત્ત સક્રિય થઈ જાય છે. ઋજુ કે કર્કશ ધ્વનિની પરખ આપણને સહજ રીતે જ થઈ જાય છે. તે જ રીતે જે તે શબ્દને વળગેલું તેનું સહજ વાસ્તવ પણ ચિત્તમાં તરત જ ઉપસી આવે છે. મનુષ્યચિત્ત અનુભવમાં આવેલાં, સ્મૃતિમાં સચવાયેલાં અને કલ્પનોત્થ વસ્તુજગતના મનોબિંબ રચી શકે છે. શબ્દનો અર્થ સમજાઈ જાય તો પણ તેમાંનાં ભાવસૌંદર્યનો અનુભવ તો આપણને શબ્દના ધ્વનિને આધારે જ થાય છે. સમજાઈ જવું અને અનુભવવું બંને બાબત અલગ છે. માર્ગ અને મારગ જેવા શબ્દોને કે પછી વૃક્ષ અને ઝાડવું કે, શાખા અને ડાળખી જેવા શબ્દોને ઉચ્ચારી જોવાથી આ ભેદ તરત સમજાશે. ઉચ્ચરિત ધ્વનિ આ રીતે જોઈએ તો શબ્દનું અપેક્ષિત સૌંદર્ય રચવામાં બહુ મોટો ભાગ ભજવે છે. આટલી વાત પરથી એ સમજાય છે કે ગીતકાવ્યમાં કવિએ કરવાની થતી શબ્દપસંદગી જો આ ધોરણે થયેલી ન હોય તો શ્રુતિસૌંદર્યનું ભાવાત્મક નિર્માણ થઈ શકતું નથી. પરિણામે તેવા ગીતકાવ્યમાં શબ્દમાં રહેલા સંગીતનો લાભ લેવાયો નથી તેમ કહેવું પડશે.

શબ્દમાં રહેલા આ સંગીતને ધ્યાને લઈને હવે થોડી વધુ વાત કરીએ. અમુક શબ્દો સ્વયં આપણી શ્રુતિને ઉત્તેજિત કરે છે. `ઝાંઝર’ શબ્દમાં છે તેવી શ્રુતિગ્રાહ્યતા ‘પાયલ’ શબ્દમાં નથી. સાંગીતિક ધોરણે તપાસીએ તો બંને શબ્દમાં રહેલું સંગીત અલગ અલગ શ્રુતિપ્રભાવ રચે છે. ગીતકાવ્યમાં ‘ઝાંઝર’ શબ્દ પ્રયોજાશે ત્યારે તેની સાંગીતિકતા ‘પાયલ’ શબ્દ કરતાં ચડિયાતી હશે તે તરત સમજાઈ જાય તેવી વાત છે. ગીતકાવ્ય આવી શક્યતાઓનો લાભ લઈને લખાયું હોય ત્યારે તેને તેનું પોતાનું સંગીત મળ્યું હોય છે. ગીતકાવ્યનું પઠન કરતી વેળા તેનું આ સંગીત સહજ ઉપસી આવે છે અને આપણી શ્રુતિને કોઈ ને કોઈ રીતે તે પ્રભાવિત કરે છે. આને કાવ્યસંગીત કહેવાય. કાવ્યસંગીત આ રીતે કાવ્યના શબ્દમાંથી નીપજે છે. જયદેવના `ગીતગોવિંદ’નો પાઠ કરીએ ત્યારે શબ્દમાં રહેલાં આ સંગીતનો અનુભવ તીવ્રતાથી થાય છે. `કાન્ત’ના `સાગર અને શશી’ કાવ્યની આ પંક્તિ જુઓ :

`સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન’

અહીં લઘુ વર્ણોની શૃંખલાને કારણે શ્રુતિને થતો અનુભવ સાંગીતિક છે પરંતુ એ સંગીત સ્વયં શબ્દનું સંગીત છે. એ આરોપિત કે આગંતુક સ્વરોનું સંગીત નથી. એ સંગીત કવિએ નીપજાવેલું છે અને તેમાં સંગીતનો પ્રવેશ શબ્દના આશ્રયે થયો છે. તુલસીદાસની એક બહુ જ પ્રચલિત રચનાનું ઉદાહરણ આપું :

`શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવ ભય દારુણમ્
નવ કંજ લોચન કંજમુખ કરકંજ પદકંજારુણમ્
કંદર્પ અગણિત અમિત છબિ, નવ નીલ નીરદ સુંદરમ્
પટ પીત માનહું તડિત રુચિ શુચિ નૌમિ જનકસુતા વરમ્
ભજ દીનબંધુ દિનેશ દાનવ દૈત્યવંશ નિકંદનમ્
રઘુનંદ આનંદકંદ કૌશલચંદ દશરથનંદનમ્
શિર મુકુટ કુંડલ તિલક ચારુ ઉદાર અંગ વિભૂષણમ્
આજાનુભુજ શરચાપધર સંગ્રામજિત ખરદૂષણમ્
ઇતિ વદતિ તુલસીદાસ શંકરશેષ મુનિમનરંજનમ્
મમ હૃદયકુંજ નિવાસ કુરુ કામાદિ ખલદલગંજનમ્’

તુલસીકૃત રામાયણના પઠનના શ્રુતિસંસ્કાર તેમાંની પાઠ્યસામગ્રીમાં રહેલા શબ્દસંગીતને કારણે આપણા ચિત્તમાં સ્થાન જમાવે છે. તુલસીકૃત રામાયણની સર્વજન લોકપ્રિયતાનું આ પણ એક કારણ છે તેમ માનવું પડે. આવું જ ચારણી કે ડિંગળભાષાનાં  કાવ્યો વિશે પણ કહી શકાય. તેમાં રહેલું કાવ્યસંગીત શ્રુતિને આકર્ષે છે અને તેની સાથોસાથ કાવ્યગુણનો અનુભવ પણ આપે છે.

કોઈ ગાયક કે સ્વરકાર આ રચનાનું સ્વરાંકન કરે ત્યારે તે સાવ જુદી બાબત બને છે, ત્યારે શબ્દના આશ્રયે સંગીત નહીં પરંતુ સંગીતના આશ્રયે શબ્દ પ્રગટે છે. તેથી તે કાવ્યસંગીત નહીં પણ સંગીતકાવ્ય બને છે. કાવ્યસંગીત એટલે કાવ્યની ભાષાના આશ્રયે પ્રગટતું સંગીત જેનું નિર્માણ કવિ કરે છે અને સંગીતકાવ્ય એટલે સંગીતના આશ્રયે પ્રગટતી કાવ્યની ભાષા જેનું નિર્માણ સ્વરકાર અને ગાયક કરે છે. તેથી સુગમસંગીત કે કાવ્યસંગીત તરીકે ઓળખાવાતી રચનાઓ સંગીતકાવ્ય છે. કાળક્રમે આ ઓળખ રૂઢ બની જાય તો તેથી ખોટો ચાલ પડી જાય છે અને સરવાળે ગવાતાં ગીતકાવ્યોની સાચી ઓળખ તેના નામકરણમાંથી અળપાઈ જાય છે.

સમજવાનું એ પણ રહે છે કે માત્ર રવાનુકરણ જ કાવ્યસંગીત નથી. લયહિલ્લોલ અને તાલનિબદ્ધ સમયના આવર્તનો પણ કાવ્યસંગીત નીપજાવવામાં બહુ મોટો ભાગ ભજવે છે.  કાવ્યમાં લય એટલે ઉચ્ચરિત ધ્વનિના આરોહ અને અવરોહ, જે તાલથી નિયંત્રિત થાય છે. તાલ એ ઉચ્ચરિત ધ્વનિસમૂહના ઉચ્ચારણસમયનું  માપ છે. આ ઉચ્ચારણસમય એકસરખો હોય ત્યારે તેને આવર્તન કહેવાય. આપણી વાતચીતની ભાષામાં લય હોય છે પરંતુ તેમાં ચોક્કસ ઉચ્ચારણસમયનાં આવર્તનો નથી હોતાં. ગીતકાવ્યમાં આવા આવર્તનોની એક મૂળભૂત ભાત હોય છે જે લયને યોગ્ય ઢાંચામાં ગોઠવી આપે છે અને તેને વ્યવસ્થિત ઘાટ આપે છે. માત્રાઓનાં ગણિત વડે તેને માપી પણ શકાય છે. ઘણીવાર આ કસબ એટલો તો પ્રભાવક હોય છે કે અગાયક એવા ભાવકને તે પઠનમાંથી ઊંચકી લઈ કાવ્યસંગીતના બળે કરીને ગાતો કરી મૂકે છે. બાલમુકુન્દ દવેની આ પંક્તિ જુઓ :

‘વગડા વચ્ચે તળાવડી રે
તળાવડીની સોડ, ઊગ્યો વનચંપાનો છોડ…’

રમેશ પારેખની આ પંક્તિ પણ જુઓ :

`થાણે જઈને ઊભા રિયા,
ને ગુનો કર્યો કબૂલ, જમાદાર મોરબીના…’

આપણી લોકકવિતામાં શબ્દના આવા લયહિલ્લોળના આવિષ્કાર સૌથી વધુ જોઈ શકાય છે.

ગીતકાવ્યની પંક્તિઓમાં લય અને તાલનું સંગીત તો હોય જ છે. પરંતુ ગીતકાવ્યમાં પ્રયોજાયેલા શબ્દોનો અન્વય પણ સંગીતની ભૂમિકાએ પહોંચી શકતો હોય છે. પંક્તિમાં આવતા દરેક આવર્તનની લઘુ અને ગુરુ વર્ણોની ભાત બદલવાથી તે સિદ્ધ થઈ શકે છે. ધારો કે ચાર માત્રાનું એક આવર્તન હોય તેવી પંક્તિમાં ગાગા/ગાગા એવા સમાન વર્ણોનાં જ આવર્તનો હશે તો તે એકધારાં લાગશે. પ્રેમશંકર ભટ્ટનાં એક કાવ્યમાંથી ઉદાહરણ લઈએ :

`તું ના/નો હું/ મોટો /એવો/ ખ્યાલ જ/ગતનો/ ખોટો’

અહીં ચાર ચાર માત્રાનાં સાત આવર્તનમાંથી પહેલાં ચાર અને છેલ્લું મળીને કુલ પાંચ આવર્તન ગાગા પ્રમાણે જ છે અને તેથી તે એકવિધ લાગે છે. સાત આવર્તનની પંક્તિમાં તે વધુ પડતાં છે. તેથી તેમાંથી નીપજતું શબ્દસંગીત ઓછું પ્રભાવક લાગે છે. જ્યારે જયદેવના `ગીતગોવિંદ’ની આટલાં જ આવર્તનની આ પંક્તિઓ જુઓ :

`લલિતલ/વંગલ/તાપરિ/શીલન/કોમલ/મલયસ/મીરે
મધુકર/નિકરક/રંબિત/કોકિલ/કૂજિત/કુંજકુ/ટીરે’

અહીં લઘુ વર્ણોને વિશેષ રૂપે ખપમાં લઈ આવર્તનોને જુદા જુદા માત્રાગુચ્છમાં પ્રયોજ્યા છે. તેથી તેમાં રહેલું શબ્દસંગીત પ્રભાવક લાગે છે. બંને કવિઓની પંક્તિઓ એક સરખી માત્રાની છે. બંનેનો ઉચ્ચારણસમય એકસરખો છે. પણ બંનેમાં રહેલું શબ્દસંગીત ભિન્ન ભિન્ન પ્રભાવ પાડનારું છે.

અંત્યાનુપ્રાસ પણ શબ્દનું સંગીત નીપજાવવામાં બહુ મોટો ભાગ ભજવે છે. અંત્યાનુપ્રાસ પંક્તિઓના અંતે આવતા સમાન સ્વરોથી  બને છે. સ્વરોના આ સામ્યથી પણ સંગીત નીપજે છે. ઘણીવાર અંત્યાનુપ્રાસ સંગીતના `સમ’ને અનુકૂળ હોય ત્યારે વળી શબ્દનું વિશિષ્ટ સંગીત પણ નીપજાવી શકાય છે. રમેશ પારેખની આ પંક્તિઓ જુઓ :

`એક ફેરા હું નદીએ ના’વા ગઈ તે દિ’ની ગઈ,
ત્યારથી મારે ઘેર હું પાછી કોઈ દિ’ આવી નંઈ!’

અહીં આવી શક્યતા પડી છે તે સંગીતના જાણકાર પરખી શકશે. પણ પંક્તિમાં ગુંથાયેલા શબ્દોના આંતરપ્રાસનું સંગીત તેથીયે વધુ પ્રભાવક હોય છે. જુઓ આ ઉદાહરણ :

`અવસર પ્રફુલ્લ પુલકિત નિકુંજ ઝળહળત પુંજ ચોપાસ
અવિરત લસંત ભરપૂર વસંત અંતર રમંત મૃદુ હાસ’

અહીં અંત્યાનુપ્રાસ તો છે જ પણ પંક્તિમાં રહેલા અનુપ્રાસ પણ સંગીત નીપજાવે છે. શબ્દની આ સાંગીતિક ભૂમિકા છે. શ્રુતિને તે ઉત્તેજિત કરે છે અને ગીતકાવ્યને આવશ્યક તેવો ઊર્મિનો ભાવ પ્રગટાવવામાં સક્રિય ભાગ ભજવે છે. વર્ણનાં પુનરાવર્તન કે દ્વિરુક્ત શબ્દપ્રયોગો શ્રુતિને સંગીતનો અનુભવ કરાવે છે તે વાત પણ ધ્યાને લેવી જોઈએ.

આ બધું ભેગું થતાં જે નીપજે છે તે કાવ્યસંગીત છે. કાવ્યસંગીત એટલે શું તે હવે સ્પષ્ટ થયું હોય તો,  ફરી એ વાત કરી લઈએ કે ગવાતી કાવ્યરચનાઓને કેટલાક કાવ્યસંગીત તરીકે ઓળખાવે છે તે બરાબર નથી. કાવ્યસંગીતને બહારથી સંગીતની મદદની જરૂર જ નથી. કાવ્યમાં જ તે અંતર્નિહિત હોય છે. ગવાતી કાવ્યરચનાને સંગીતકાવ્ય તરીકે જ ઓળખાવી શકાય. તેમાં સંગીતના આશ્રયે કાવ્યનો શબ્દ  પ્રગટે છે. એ શબ્દની નહીં પણ સ્વરની કળા છે. જ્યારે કાવ્ય તો ભાષાની કળા છે. માટે ગવાતી કાવ્યરચના માટે યોગ્ય અને શાસ્ત્રીય શબ્દપ્રયોગ છે, સંગીતકાવ્ય.

૧૮૮૭ માં પ્રગટ થયેલા નરસિંહરાવ દિવેટિયાના કાવ્યસંગ્રહ ‘કુસુમમાળા’માં ગેય રચનાઓ છે. સંગ્રહનાં મુખપૃષ્ઠ પર કવિએ ‘સંગીતકાવ્યોનો સમુદાય’ તેવું ઉપશીર્ષક આપ્યું છે. ૧૯૫૦માં પ્રગટ થયેલા નિરંજન ભગતના ગીતસંગ્રહ ‘કિન્નરી’માં તો કવિએ ‘ગીત -એક કાવ્યસ્વરૂપ’ શીર્ષકથી પોતાનાં ટૂંકા નિવેદનમાં સ્પષ્ટ લખ્યું છે કે : `ગીતને અને ગાયકીને  કંઈ જ સંબંધ નથી. વળી આમાંની એક પણ કૃતિ ગાઇને રચી નથી; એટલે રસિકજનો ગાયકીને નહીં પણ ગીતને, એક કાવ્યસ્વરૂપને, લક્ષમાં લેશે એવી અપેક્ષા છે. ગીત એટલે જે ગાઈ શકાય અને ગાવું જ પડે તે, એ તો એક ભ્રામક અને પ્રચલિત માન્યતા છે.’ આકાશવાણીએ અધૂરી સમજથી સુગમસંગીત શબ્દ પ્રચલિત કર્યો તે જ રીતે અર્ધદગ્ધ સમજથી આજકાલ કાવ્યસંગીત શબ્દ પણ વહેતો થયો છે. રૂઢિમાં શબ્દને પ્રવેશી જતાં રોકવો મુશ્કેલ હોય છે.  તેથી જ આપણે સમયસર સ્પષ્ટ થવું અને સ્પષ્ટ રહેવું ઘણું જ આવશ્યક હોય છે. અન્યથા કલાસ્વરૂપની ખોટી છબિ ઉપસી જતાં વાર લાગતી નથી. ગવાતું ગીતકાવ્ય સંગીતકાવ્ય છે, કાવ્યસંગીત નથી તે સહુએ જાણી લેવું અનિવાર્ય છે.

આપને મારી આ વાર્તા ગમશે. આભાર.

5 thoughts on “વિનોદ જોશી ~ કાવ્યસંગીત નહીં, સંગીતકાવ્ય”

  1. ચંદ્રશેખર પંડ્યા

    કેવી સુંદર અને અદ્દભુત સમજ!

    1. સુરેન્દ્ર કડિયા

      વિનોદભાઈ જોશીની છણાવટ સુંદર…

  2. ઘનશ્યામભાઈ ઉપાધ્યાય

    સુંદર, મનનીય લેખ

  3. પ્રતિભાવ આપનારા મિત્રોનો ખૂબ આભાર.
    મુલાકાત લેનારા મિત્રોનો પણ ઘણો આભાર.
    ~ લતા હિરાણી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *