*હાં રે બેની*
હાં રે બેની પંખીને દૂર દૂર ઊડવાના લાગ્યા રે થાક
ને બેની મારે ફળિયામાં આભલાંને આણવાં.
હાં રે બેની સૂરજમુખીને હવે ફરવાના લાગ્યા રે થાક
ને બેની મારે આંગણિયે કિરણોને બાંધવાં.
હાં રે બેની ચાડિયાને ઊભા રહેવાના હવે લાગ્યા રે થાક
ને બેની મારે પાદરનાં રખોપાં રાખવાં.
હાં રે બેની ડૂંડવાંની દાંડિયુંને ડોલવાના લાગ્યા રે થાક
ને બેની મારે પાલવમાં વાયરાને ઝીલવા.
હાં રે બેની વાવને હવે અવાવરુ રહેવાના લાગ્યા રે થાક
ને બેની મારે ઊંડેથી અંધારાં સીંચવાં.
~ શકુર સરવૈયા (10.8.1939)
અછાંદસ કાવ્યો, ગીતો અને ગઝલનું સર્જન.
કાવ્યસંગ્રહ ‘ઘરની સાંકળ સુધી’.(બૃહદ ગુજરાતી કાવ્યસમૃદ્ધિ : સં. સુરેશ દલાલ)
