સાહિલ ~ ક્યારેય તમને ક્યાં કહ્યું

*માલમને ઓળખો*

ક્યારેય તમને ક્યાં કહ્યું કે અમને ઓળખો,
જો ઓળખી શકો તો તમે – તમને ઓળખો.

સામો કિનારો લાગવાનો હાથવેંતમાં,
દરિયો અજાણ્યો હો ભલે – માલમને ઓળખો.

દૃશ્યોની પારદર્શિતાની પાર હો જવું,
તો જીવને વરેલા બધા ભ્રમને ઓળખો.

ઈશ્વર અને તમારી નિકટતા વધી જશે,
આલમના બદલે જો તમે આતમને ઓળખો.

આસાન છે સમયનાં બધાં વ્હેણ વીંધવા,
ક્યારેક તો ભીતરની ગતાગમને ઓળખો.

બુદ્ધિ અને સમજના પરિમાણ છે અલગ,
વાણીને સાંભળો અને મોઘમને ઓળખો.

જડબેસલાક બંધ કમાડો ખુલી જશે,
જો શબ્દ બદલે શબ્દની સરગમને ઓળખો.

~ સાહિલ (29.8.1946 – 27.1.2024)

2 thoughts on “સાહિલ ~ ક્યારેય તમને ક્યાં કહ્યું”

  1. લલિત ત્રિવેદી

    એક અગ્રિમ ગઝલકારને વંદન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *