પાનખરે આ
પતંગિયું બેપગું….
વસંતો વેરે
અંધકારની
ત્રેવડ નહીં કે એ
દીવો બુઝાવે….
તડકો વંડી વહેરે છે ને
છાંયો પડખે ઊંઘે….
‘વિરહી’ શ્વાસો
મૂકે ત્યાં થઈ જાતો
વાયુ ભડથું !
ખિસકોલીના રુંવાં ઉપર રમે
સુંવાળો સૂર્ય….!
હું જ છબિમાં
હું જ છબિની બહાર
કયો હું સાચો ?
જીવતર છે બાક્સ ખોખું,
શ્વાસો દિવાસળીઓ
મનીઓર્ડર
લૈને વૃદ્ધાએ લીધાં
રોકડાં આંસુ….
~ રમેશ પારેખ
