અદમ ટંકારવી ~ ચિબાવલી છતાં 

*ગમી છે ગઝલ*

ચિબાવલી છતાં ગમી છે ગઝલ
કે પડોશીની છોકરી છે ગઝલ

માએ માંડેલી વારતામાંથી
ઊડી ગયેલી તે પરી છે ગઝલ

તારા પગલામાં ફૂંક મારી તો
એની અંદરથી નીકળી છે ગઝલ

હાથમાંથી ગયો પાલવ સરકી
તે પછી મુઠ્ઠીમાં બચી છે ગઝલ

છે સુખનફહેમ ગામની છોરી
નવમા ધોરણમાં એ ભણી છે ગઝલ

અમને દઈ ગઈ જે હાથતાળી સદા
એ હથેળી ઉપર લખી છે ગઝલ

શ્વાસની ટોચે લોહીને તળિયે
અમને ક્યાં ક્યાંથી આ જડી છે ગઝલ

કાફિયો ખેંચતા દુશાસનને
ક્યાં ખબર છે કે દ્રૌપદી છે ગઝલ

હતી તત્સમ હજી ગઈકાલ સુધી
આ જ તદ્ભવ બની ગઈ છે ગઝલ

આમ જુઓ તો બાદશાહી છે
આમ જુઓ તો ચાકરી છે ગઝલ

આંસુ માગ્યું તમે અક્ષરરૂપે
ને અમે ભેટમાં ધરી છે ગઝલ

દુનિયાદારીના છેદ ઊડી ગયા
તે પછી શેષમાં રહી છે ગઝલ

સંકોચાઈને હાઇકુ થઈ ગઈ
આજ કંઈ એટલી રૂઠી છે ગઝલ

ગાલગા ગાલગા જેવું છે કશુંક
ક્યાં હજી પૂરીપાધરી છે ગઝલ

એક મલાજાની આણ આપીને
આ કળિયુગમાં સાચવી છે ગઝલ

એ જ છે આપણી નિશાળ હવે
પેન પાટી ને ચોપડી છે ગઝલ

હાથમાં લઉં તો છે કરતાલ અદમ
ફૂંક મારું તો વાંસળી છે ગઝલ

~ અદમ ટંકારવી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *